ભાવનગર શહેર-જિલ્લા સહિત ગોહિલવાડ પંથકમાં આજે ધર્મોલ્લાસ સાથે પવનપુત્ર હનુમાનજીની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. હનુમાનજી મંદિરે આજે આકર્ષણ શણગાર સાથે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. શહેરના ગોળીબાર હનુમાનજી મંદિરે દાદાનાં દર્શન કરવા વહેલી સવારથી જ ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા. સવારે મંગળા આરતી સાથે વિવિધ કાર્યક્રમોનો પ્રારંભ કરાયેલ. બપોરે મહાપ્રસાદ યોજવામાં આવેલ. જ્યારે મહંત મદનમોહનદાસજી મહારાજે પણ ભાવિકોને પ્રસાદ વિતરણ કર્યો હતો. જ્યારે શહેરનાં છેવાડે અધેવાડા ખાતે સંત બજરંગદાસ બાપાની જન્મભૂમિ સેવા ઝાંઝરીયા ખાતે હનુમાનજી મંદિરે ભવ્યતાથી હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. અહીં વહેલી સવારથી મોડી રાત્રી સુધી દર્શનાર્થી ભાવિકોનો પ્રવાહ અવિરત શરૂ રહ્યો હતો અને દર્શન તથા પ્રસાદનો લાભ લીધો હતો. વિવિધ હનુમાનજી મંદિરે મારૂતિયજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા.