અભદ્ર ટિપ્પણી કરવા બદલ હાર્દિક અને રાહુલને ૨૦-૨૦ લાખનો દંડ

543

કરણ જોહરના ટીવી શો કોફી વિથ કરણમાં ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલે મહિલાઓ વિશે અભદ્ર કોમેન્ટ કરતાં ભારે વિવાદ જાગ્યો હતો જેને પગલે શનિવારે ભારતીય ક્રિકેટ બોર્ડના લોકપાલ ડી. જે. જૈને બંને સામે ૨૦-૨૦ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. હાર્દિક અને રાહુલે આગામી ચાર સપ્તાહમાં આ રકમ જમા કરાવવાનો પણ આદેશ આપ્યો છે અને આમ કરવામાં તેઓ નિષ્ફળ રહે તો તેમની મેચ ફીમાંથી આ રકમ વસૂલ કરવામાં આવશે.

ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને રાહુલને અર્ધલશ્કરી દળના ૧૦ શહીદોની પત્નીઓને એક-એક લાખ રૂપિયા આપવા આદેશ કરાયો છે તેમજ રૂ. ૧૦ લાખ ચક્ષુહીન ક્રિકેટના વિકાસ માટે બનાવાયેલા ફંડમાં જમા કરાવવા પણ જણાવાયું છે.

હાર્દિક પંડ્યાએ કરણ જોહરના શોમાં સંખ્યાબંધ મહિલાઓ સાથે સંબંધ હોવાનો દાવો કર્યો હતો. ત્યારબાદ સોશિયલ મીડિયા પર વડોદરાના આ ક્રિકેટરની આકરી ટીકા થઈ હતી. દેશભરમાં આ મામલે વિવાદનો વંટોળ સર્જાયો હતો.

બંને  ક્રિકેટર્સ સામે બોર્ડના લોકપાલે કડક કાર્યવાહી કરતા હવે ૨૦-૨૦ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ રકમ નિર્ધારિત ચાર સપ્તાહમાં જમા કરાવવાની રહેશે.

Previous articleહાર્દિક હવે પેસ બોલરોની બોલિંગમાં પણ ફટકાબાજી કરે છેઃ કૃણાલ પંડ્યા
Next articleબેંગ્લોર ટીમની આજે ચેન્નાઈ સુપરની સામે આકરી કસોટી