માણસા પાસે લકઝરી અને એસટી વચ્ચે અકસ્માતઃ લકઝરી ચાલક ફરાર

809
gandhi1212018-2.jpg

માણસા તાલુકામાંથી પસાર થતા વિજાપુર-માણસા માર્ગ પરથી બેફામ ગતિએ દોડી રહેલ લક્ઝરી બસે સામેથી આવી રહેલ એસ.ટી.બસને ટક્કર મારતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ફક્ત એસ.ટી.બસ ના ચાલકને વધુ પડતી ઈજાઓ પહોંચી હતી. જો કે લકઝરી અને એસ.ટી.બસમાં સવાર મુસાફરોનો અકસ્માતમાં અદ્દભૂત બચાવ થતાં તેઓએ રાહતનો શ્વાસ લીધો હતો.    
ગાંધીનગરનાં માણસાથી વિજાપુર વચ્ચેનાં માર્ગ પર બુધવારે સવારે પાટણપુરા પાસે ખાનગી લકઝરી અને એસટી બસ સામ સામે અથડાતા મોટા ધડાકા સાથે અકસ્માત સર્જાયો હતો. જેમાં એસટીનાં ચાલકને ગંભીર ઇજાઓ પહોચી હતી. સદભાગ્યે બંને બસોમાં મુસાફરી કરી રહેલા લોકોને વધારે ઇજાઓ થઇ નહોતી અને મોટી જાનહાની ટળી હતી. માણસા પોલીસે લકઝરીનાં ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. લકઝરી ચાલક ફરાર થઇ ગયો હતો.
પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર સવારે ૧૧ વાગ્યાનાં અરસામાં સર્જાયેલો લકઝરી તથા એસટી વચ્ચેનાં અકસ્માતનો ધડાકો એટલો મોટો હતો કે આસપાસનાં ગામડાઓ માંથી લોકો દોડી આવ્યા હતા. પાટણપુરા-રીદ્રોલ વચ્ચે દોડી સુરેન્દ્રનગર-વિજાપુર રૂટની એસટી બસ નં જીજે ૧૮ વાય ૯૫૬૩ને સામેથી આવી રહેલી લકઝરી બસ નં જીજે ૨૧ ડબલ્યુ ૯૯૨૪નાં ચાલકે ગફલત ભરી રીતે હંકારીને સામે અથડાવી હતી. બંને બસનાં આગળનાં કેબીનને ભુક્કો બોલી ગયો હતો. અકસ્માત જોનારને મોટી જાનહાની થઇ હોવાનું લાગતુ હતુ.
પરંતુ સદભાગ્યે બંને બસમાં સવાર મુસાફરોને નાની મોટી ઇજાઓ પહોચી હતી. જયારે એસટી બસનાં ડ્રાઇવર ભરતભાઇ રાણા (રહે મહેસાણા)ને ગંભીર ઇજાઓ પહોચતા અમદાવાદ સિવિલમાં સારવાર માટે ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. જયારે લકઝરી બસનો ચાલક ફરાર થઇ ગયો હતો. માણસા પોલીસે ફરાર લકઝરી ચાલક સામે ગુનો નોંધીને શોધખોળ આદરી છે.

Previous articleપ્રેરણા વિદ્યાલય દ્વારા બોર્ડની પરીક્ષા અંગે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો
Next articleકલોલ તાલુકા પંચાયતના મહિલા સભ્ય ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા