કલોલ નગરપાલિકાના ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયેલા મહિલા સદસ્ય એ ભાજપમાં ઘરવાપસી કરી છે. ત્યારે હવે ભાજપ પાસે ૨૧ કાઉન્સિલર અને કોંગ્રેસ પાસે ૨૩ કાઉન્સિલર રહ્યા છે. એટલે નગરપાલિકાની સત્તા માટે ફરીથી ભાજપ શામ દામ દંડ ભેદની નીતિ શરૂ કરી છે.
છેલ્લા ઘણા વર્ષોથી કલોલ નગરપાલિકામાં ભાજપનું શાસન હતું. વર્ષ ૨૦૧૫ની ચૂંટણીમાં પણ ભાજપે સત્તા જાળવી રાખી હતી. જોકે અઢી વર્ષની ટર્મ બાદ કોંગ્રેસે ભાજપના ૪ સભ્યોને પોતાના પક્ષમાં લઇ કુલ ૨૪ સીટો સાથે નગરપાલિકાની સત્તા આંચકી લીધી હતી. ત્યારબાદ પણ ભાજપના વધુ બે કાઉન્સિલર કોંગ્રેસમાં જોડાઈ જતા કોંગ્રેસ પાસે ૨૬ કાઉન્સિલર અને ભાજપ પાસે ૧૮ સભ્યો રહ્યા હતા. ત્યારે હવે લોકસભાની ચૂંટણી ટાણે ભાજપ દ્વારા પણ નગરપાલિકામાં ફરીથી પોતાનું શાસન જમાવવા દોડધામ કરવામાં આવી રહી છે.
અગાઉ કોંગ્રેસના બે સદસ્યો ભાજપમાં જોડાઈ ગયા હતા ત્યારે ગુરૂવારે પણ એક સદસ્યએ ઘરવાપસી કરી છે.
અગાઉ ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયેલ વોર્ડ નંબર-૫ના મહિલા કાઉન્સિલર ધાત્રીબેન વ્યાસ ગુરૂવારે રાત્રે ફરી ભાજપમાં જોડાઈ ગયા છે. જેથી હાલમાં કોંગ્રેસ પાસે ૨૩ બેઠક અને ભાજપ પાસે ૨૧ બેઠકો છે.