લોકસભા ચૂંટણી ટાણે પક્ષો દ્વારા દરેક સમાજ, સંસ્થા કે સમૂદાયના પડતર પ્રશ્નોના ઉકેલના વાયદ કરે છે. આખું વર્ષ પોતાના પડત પ્રશ્નોની મુદ્દે લડત આપનારા લોકો પાસે ચૂંટણી આવતા જ રાજકીય પક્ષો પહોંચી જાય છે. ગુજરાતમાં કોઈપણ સમાજ, સંસ્થા કે લોકો દ્વારા પોતાના પડતર પ્રશ્નો કે માંગો સરકાર સુધી પહોંચાડવાની વાત આવે એટલે ગાંધીનગર સ્થિત સત્યાગ્રહ છાવણી યાદ આવે છે.
સે-૬ સ્થિત મેદાનમાં રાજ્યભરમાં કોઈને કોઈ પોતાના પ્રશ્નો લઈને ધરણા, રેલી કે પ્રદર્શન કરે છે. આ વર્ષે ગાંધીનગર સ્થિતિ સત્યાગ્રહ છાવણીમાં ૬૯ ધરણાં-પ્રદર્શન-રેલી થઈ છે. એટલે કહી શકાય કે વર્ષમાં દર પાંચમા દિવસે કોઈને કોઈ પોતાના પડતર પ્રશ્નો મુદ્દે સત્યાગ્રહ છાવણી ખાતે પ્રદર્શન કર્યું છે.
સત્યાગ્રહ છાવણી પહેલાં સચિવાયલ નજીક ચ-૫ ખાતે હતી. જોકે, આવતા-જતાં નેતા, અધિકારીઓને વિરોધ નજરે ન પડે તે માટે ચ-૫થી ખસેડીને પહેલાં ચ રોડ પર ડૉ. બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ પાસે પછી સેક્ટર-૬માં ડેપો પાસે ઘ-૩ કોર્નર પર ખસેડાઈ હતી. જોકે, ૨૦૦૭માં ખેડૂતોના આંદોલન વખતે થયેલા પથ્થરમારા અને લાઠીચાર્જ બાદ આસપાસ સિવિલ, એસટી ડેપોને જોતા છાવણીની જગ્યા બદલાઈ હતી અને અડધો કિલોમીટર આગળ ખસેડીને ઘ-૬/૭ પાસે ખસેડાઈ.
આ રીતે અત્યારસુધીમા આ સ્થળ ચાર વખત બદલાઈ ચુક્યુ છે. અને તેમા ધરણા અને દેખાવો કરવામા આવી રહ્યા છે. થોડા વર્ષો પહેલાં સત્યાગ્રણ છાવણી સેક્ટર-૬માંથી ખસેડીને સિટીની બહાર ઘ-૦ પાસે લઈ જવાની વિચારણા કરાઈ હતી. જોકે, વસાહત મહામંડળ સહિતના લોકો દ્વારા વિરોધનો સૂર ઉઠાવતા હિલચાલ પડતી મુકાઈ હતી.
દક્ષિણ આફ્રિકામાં જોહાનિસબર્ગમાં હથિયાર વગર સરકાર સામે લડવાની રીતને શું નામ આપવું તેનો વિચાર ગાંધીજી કરતા હતા. ત્યારે મગનલાલ ગાંધીએ ‘સદાગ્રહ’ શબ્દ આપ્યો.
સત્યને માટેનો આગ્રહ ગાંધીજીને યોગ્ય લાગ્યું અને સદાગ્રહ શબ્દમાં સત્ય શબ્દ ઉમેરી ‘સત્યાગ્રહ’ શબ્દ આપ્યો એટલે ૧૯૦૬થી આ શબ્દ પ્રચલિત બન્યો. સત્યાગ્રહ એટલે સત્ય માટેનો આગ્રહ પણ આગળ જતા સત્યાગ્રહ એટલે લડત આપવી એવો અર્થ બની ગયો છે.