ચૂંટણીના માહોલ દરમિયાન થયેલી બબાલો મતદાનના દિવસે માથાકુટમાં ફેરવાતી હોય છે. ભૂતકાળના આવા બનાવોને ધ્યાનમાં રાખતા ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાન મથક પાસે ઉભા કરવામાં આવતા રાજકીય પક્ષોના મતદાર માર્ગદર્શન કેન્દ્ર માટે પણ ઘણી મર્યાદાઓ નિયત કરી દેવાઇ છે. તેના અંતર્ગત અથડામણો નિવારવા માટે મતદાનના દિવસે કોઇ સ્થળે પ્રચાર મથકો ઉભા કરવા પર પ્રતિબંધ મુકાયો છે. આવા સ્થળો પર રાજકીય પક્ષોના કાર્યકરો, સમર્થકો વચ્ચે અથડામણ થાય તો મતદારો માટે અવરોધ ધવાની શક્યતાઓ રહેતી હોવાની સાથે કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો ઉભી થાય છે.
ભારતના લોક પ્રતિનિધિત્વ અધિનિયમ ૧૯૫૧ની જોગવાઇ પ્રમાણે તથા ભારતના ચૂંટણી પંચની પ્રવર્તમાન સુચનાઓના સંબંધમાં મતદારોને અવિધિસરની ઓળખ કાપલીઓ માત્ર માર્ગદર્શનના હેતુથી આપવા માટે ઉમેદવારો તેમજ તેમના એજન્ટો અને કાર્યકરોના ઉપયોગ માટે મતદાન મથકથી ૨૦૦ મીટરથી દૂરના અંતરે એક ટેબલ અને બે ખુરશી રાખીને તડકા અને વરસાદથી રક્ષણ આપવા ઉપર તાડપત્રી કે છત્રીની વ્યવસ્થા કરવાની છુટ અપાઇ છે. પરંતુ તેના ફરતે કંતાન સહિત કોઇ આડશ કરી શકાતી નથી. ઉપરાંત ત્યાં લોકોના ટોળા એકત્ર ન થવા જોઇએ.
મતદાનના દિવસ ૨૩મી એપ્રિલ પહેલા પ્રચાર કેન્દ્ર ઉભા કરવા માટે સ્થળનું નામ તથા ત્યાં કામ કરનાર વ્યક્તિની સંપૂર્ણ માહિતી સંબંધિત મદદનીશ ચૂંટણી અધિકારીને આપીને સત્તાવાર મંજુરી લેવાની થાય છે. ઉપરાંત બુથ સંભાળનાર વ્યક્તિ પાસે પરવાનગીની અસલ કોપી રાખવાની ફરજિયાત છે. આ વખતે ચૂંટણી પંચ દ્વારા જ મતદાર કાપલી અને મતદાન મથક માર્ગદર્શિકા તો દરેક ઘરે પહોંચાડવામાં આવી છે. ત્યારે મતદાન મથકથી દુર ૨૦૦ મીટર પર વ્યવસ્થા ઉભી કરવા ઉપરાંત કોઇ સ્થળે પ્રચાર મથક મતદાનના દિવસે ખોલવા દેવાશે નહીં.