જાફરાબાદમાં ખારવા સમાજની મહિલાઓ દ્વારા ચૈત્રીય નવરાત્રીની પંદર દિવસ ઉજવણી કરાઇ

1125

જાફરાબાદ શહેરમાં ખારવા સમાજની મહિલાઓ દ્વારા ચૈત્ર માસની એકમના દિવસથી નવરાત્રીની ભવ્ય ઉજવણી ચાલુ થઇ જાય છે. જેમાં ખારવા સમાજની અલગ અલગ શેરીઓ અને વિસ્તારમાં માતાજીના સ્થાપના કરવામાં આવે છે. જ્યાં દરરોજ રાત્રીના મહિલાઓ દ્વારા મોટી સંખ્યામાં માતાજીના ગરબા ગાવામાં આવે છે. જેમાં ચૈત્રી અગિયારસના દિવસે શહેરમાં આવેલ વરૂડી માતાના મંદિરેતો બારસનાં દિવસે શહેરની થોડે દૂર શિતળા માતાનાં મંદિરે ભવ્ય મેળો યોજવામાં આવે છે. તેમજ ચૈત્ર માસના ચૌદસના દિવસે ખારવા સમાજના ઇષ્ટદેવ દરિયાદેવની પૂજા કરવા માટે દરિયા કિનારે ભવ્ય મેળાનું આયોજન થાય છે. જેમાં આકર્ષણનું કેન્દ્ર હોય તો તે સમાજની જે મોટી બોટો અરબ સાગરમાં મધદરિયે ફીશીંગ કરવા ગયેલ હોય તેમના માલિકો દ્વારા આબેહુબ નાની નાની બોટો બનાવી દરિયા દેવના ખોળે તરતી મુકવામાં આવે છે અને ધંધામાં બરકત થાય તેવી આરાધના કરવામાં આવે છે. ચૈત્ર પૂનમના દિવસે ગરજતાં અરબી સમુદ્રના મોજાઓની વચ્ચે આવેલું જે ઘૂઘવતાં મોજાઓ માતાના શરણ સ્પર્શ કરે છે તેવા ભાઠોડા ઉપર બિરાજમાન ઐતિહાસિક ભવ્ય મંદિર માતા સિકોતેરના મંદિરે મેળાનું આયોજન થાય છે. તે જ દિવસે રાતનાં હનુમાન જયંતિ અને પંદર દિવસથી ચાલતા માતાજીની નવરાત્રીનું ભવ્ય આયોજન આસ્થા સાથે સમાપન થાય છે.

Previous articleધંધુકામાં હનુમાન જયંતિ ઉજવાઇ
Next articleવિદ્યાર્થીઓને સ્કુલકિટનું વિતરણ