ભાવનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભારતીબેન શિયાળના સમર્થનમાં આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીનો ભવ્ય રોડ-શો યોજાયો હતો. આ દરમ્યાન શહેરના જુદા જુદા વિસ્તારોમાં લોકોએ પુષ્પ વર્ષા સાથે જીતુ વાઘાણી તથા ભારતીબેન શિયાળનું અભિવાદન કર્યું હતું. શહેરના એમ.જી.રોડ સહિત મુખ્ય બજારોમાં ભાજપની વિજય વિશ્વાસ સંપર્ક યાત્રા રોડ-શોમાં મોટી સંખ્યામાં મોટર સાયકલ સવાર યુવાનો, શુભેચ્છકો, કાર્યકરો જોડાયા હતા.
આ વિજય વિશ્વાસ સંપર્ક યાત્રા જ્વેલસ સર્કલથી શરૂ થઇ વિવિધ વિસ્તારોમાં ફરી કાળાનાળા, ભાજપ કાર્યાલય થઈ મોતીબાગ, રૂપમ ચોક, એમ.જી.રોડ સહિત ખારગેઇટ ખાતે પૂર્ણ કરવામાં આવી હતી. ત્યારબાદ સભા યોજવામાં આવી હતી જેમાં પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ ભાજપનો વિજય નિશ્ચિત હોવાનું જણાવ્યું હતું અને કોંગ્રેસ પર આકરા પ્રહોર કર્યા હતા. ભાજપે તમામ વર્ગને નજરમાં રાખી અનેક કલ્યાણકારી પગલાંઓ ભર્યા હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત ત્રાસવાદ અને નક્સલવાદ સામે પણ ભારત સરકારે કાર્યવાહી કરી હોવાનું જણાવ્યું હતું.