ગુજરાતમાંથી લોકસભાની ૨૬ બેઠકોમાં ભાજપ માટે સૌથી સલામત મનાતી બેઠકોમાં ગાંધીનગર બેઠક પણ એક છે. ૧૯૮૯ની ચૂંટણીમાં ભાજપરની ટિકિટ પર શંકરસિંહ વાઘેલા કોંગ્રેસનાં કોકિલાબેન વ્યાસને ૨,૬૮,૪૯૨ મતોની જંગી સરસાઈથી હરાવીને જીત્યા એ પછી કદી ભાજપે કદી આ બેઠક ગુમાવી નથી. ભાજપ માટે આ બેઠક એટલી સલામત ગણાય છે કે, ૧૯૯૧ની લોકસભા ચૂંટણીમાં દિલ્હીમાં કોંગ્રેસે ફિલ્મ સ્ટાર રાજેશ ખન્નાને મેદાનમાં ઉતારતાં ગભરાઈ ગયેલા લાલકૃષ્ણ અડવાણી પોતાના માટે સૌથી સલામત બેઠકની શોધમાં હતા ત્યારે તેમણે આ બેઠક પર પસંદગી ઉતારેલી. અડવાણી એ વખતે બંને બેઠક પર જીતેલા પણ તેમણે ગાંધીનગર બેઠક જાળવી અને ૧૯૯૬ની ચૂંટણીને બાદ કરતાં એ પછીની દરેક ચૂંટણીમાં અડવાણી આ બેઠક પર જીતતા રહ્યા છે.
ભાજપ આ બેઠકને પોતાનો ગઢ માને છે તેનો અંદાજ એ વાત પરથી પણ આવે કે, ૧૯૯૬ની લોકસભા ચૂંટણીમાં ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર અટલ બિહારી વાજપેયી માટે ૧૯૯૧ના અડવાણી જેવી જ સ્થિતી પેદા થતાં ભાજપે સલામત બેઠક તરીકે ફરી ગાંધીનગર પર જ કળશ ઢોળ્યો હતો. ૧૯૯૬માં લખનૌ બેઠક પર અટલ બિહારી વાજપેયી સામે સમાજવાદી પાર્ટીએ ફિલ્મ સ્ટાર રાજ બબ્બરને મેદાનમાં ઉતારતાં ભાજપવાળા ગભરાયા હતા. વાજપેયી બંને બેઠક પરથી જીત્યા હતા ને પછી તેમણે ગાંધીનગર બેઠક છોડી દેતાં થયેલી પેટાચૂંટણીમાં ભાજપના વિજય પટેલ જીત્યા હતા.
ટૂંકમાં, ગાંધીનગર બેઠક પર ભાજપનો દબદબો રહ્યો છે. ગાંધીનગર લોકસભા બેઠક હેઠળ ગાંધીનગર ઉત્તર, કલોલ, સાણંદ, ઘાટલોડિયા, વેજલપુર, નારણપુરા અને સાબરમતી એ સાત વિધાનસભા મતવિસ્તારો આવે છે. આમ આ બેઠક માત્ર નામ પૂરતી ગાંધીનગર બેઠક છે, બાકી તેમાં વિસ્તારો તો અમદાવાદના જ છે. કલોલ અને ગાંધીનગર ઉત્તર એ બે વિધાનસભા મતવિસ્તારો ખરેખર ગાંધીનગરના છે. બાકીના પાંચ વિધાનસભા મતવિસ્તારો અમદાવાદના છે. તેમાંથી ઘાટલોડિયા, વેજલપુર, નારણપુરા અને સાબરમતી એ ચાર મત વિસ્તારો અમદાવાદ શહેરના છે.
દિગ્ગજ નેતાઓ છતાં આ વિસ્તારમાં કોઈ જબરદસ્ત શ્ઈં૩૯;વિકાસશ્ઈં૩૯; થઇ ગયો હોય તેવું જણાતું નથી. મોંઘુ શિક્ષણ, આરોગ્ય સેવાઓનું ખાનગીકરણ, વધતું શહેરીકરણ, ટ્રાફિક અને પ્રદુષણની સમસ્યાઓ અહીંના લોકોની મુખ્ય સમસ્યાઓ છે. ગાંધીનગર ઉત્તર બેઠકમાં સરકારી કર્મચારીઓની સંખ્યા નોંધપાત્ર છે. ભાજપ સરકારે સાતમા પગાર પંચ સહિતના લાભ નથી આપ્યા તેના કારણે સરકારી કર્મચારીઓ નારાજ છે. આ મતવિસ્તારમાં આસપાસનાં ગામડાંના મતદારો છે. આ મતદારોમાં ક્ષત્રિય મતદારોની સંખ્યા વધારે છે. આ બધા જ ગામડાઓ મૂળભૂત વિકાસને હજુ ય ઝંખી રહ્યા છે. કલોલ વિધાનસભા મતવિસ્તારમાં પાટીદારો અને અન્ય પછાત વર્ગ (ઓબીસી) અત્યારે બંને ભાજપથી નારાજ છે તેની અસર પણ પડશે. સાણંદ વિધાનસભા મતવિસ્તાર અત્યારે ભાજપ માટે સૌથી મોટો ખતરો છે. સાણંદ ખેડૂતોના આંદોલનનું કેન્દ્ર છે અને અત્યારે ખેડૂતોમાં ભાજપ સરકાર સામે કેવો આક્રોશ છે તે કહેવાની જરૂર નથી