પાલીતાણા તાલુકાના ગરાજીયા પ્રા. શાળામાં ધોરણ ૮માં અભ્યાસ કરતા ચૌહાણ પ્રદિપ રમેશભાઈ અને મોડેલ સ્કુલ માનવડ ધોરણ-૮માં અભ્યાસ કરતી નેન્સી અરવિંદભાઈ સાચપરા બન્ને વિદ્યાર્થીઓને પ્રતિષ્ઠિત એવા ડો.એ.પી.જે. અબ્દુલ કલામ ઈગ્નાઈટ એવોર્ડ-ર૦૧૭ આપવામાં આવ્યો. જે ગુજરાત અને જિલ્લાના ગૌરવ સમાન છે. કારણ કે આ વખતે દેશભરમાંથી આ એવોર્ડ માટે ૬પ૦૦૦ એન્ટ્રીઓ આવેલી હતી. તેમાંથી માત્ર પ૬ સંશોધકોને એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા હતા. ઈગ્નાઈટ એવોર્ડ સમારોહમાં ઈનોવેશન પ્રદર્શનમાં સંશોધકો નેન્સી સાચપરા અને પ્રદિપ ચૌહાણના સંશોધન ઈમ્પ્રુવ્ડ ડીવાઈસ ફોર ક્લીનીંગ કોટનને રજૂ કરવામાં આવ્યું હતું. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડો.પ્રણવ મુખર્જી, ગુજરાતના રાજ્યપાલ ઓ.પી. કોહલી, એનઆઈએફના અધ્યક્ષ આર.એ. માશેલકર અને અમદાવાદ આઈઆઈએમના પ્રોફેસર-અનિલ ગુપ્તાએ આ સંશોધનને બિરદાવી હતી. ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગની સંસ્થા નેશનલ ઈનોવેશન ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા દ્વારા ધોરણ ૧ર સુધીના બાળકો માટે ટેકનોલોજીકલ આઈડીયા અને ઈનોવેશન માટેની રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા રાખવામાં આવી હતી. જેમાં આ એવોર્ડ માટે ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના બન્ને વિદ્યાર્થીઓને પસંદ કરવામાં આવેલ છે.