આગામી તા. ૨૩ મી એપ્રિલના રોજ લોકસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે તેના ઉપલક્ષ્યમાં લોકોમાં મતદાન અંગે જાગૃતિ કેળવાય તેવા આશય સાથે અમદાવાદ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ‘વોક ફોર વોટ રેલી’ નું આયોજન કરવામાં આવ્યું હતું.
અમદાવાદ જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી ડૉ. વિક્રાંત પાંડેએ આજે સાંજે વિજય ચાર રસ્તાથી આ રેલીને પ્રસ્થાન કરાવી જણાવ્યું હતું કે, વધુને વધુ લોકો મતદાન કરે અને તેના દ્વારા લોકશાહીને મજબૂત બનાવે તેવા આશય સાથે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.
આ રેલીમાં ચૂંટણી સાથે સંકળાયેલા અધિકારીઓ અને કર્મચારીઓ પણ જોડાયા હતાં.આ રેલીમાં મોટી સંખ્યામાં યુવાનો પણ મતદાન જાગૃતિના પોસ્ટર, બેનર વગેરે લઇને જોડાયા હતાં.
બાળકોએ સ્કેટીંગ કરીને રેલીનું નેતૃત્વ લઇ યુવા મતદારોને મતદાન આપવા માટે પ્રોત્સાહિત કર્યા હતાં. વોક ફોર વોટ અંગેની આ રેલીનું સમાપન ગુજરાત યુનિવર્સિટીના ઉપાસના રંગમંચ ખાતે થયું હતું. ઉપાસના રંગમંચ ખાતે મતદાન જાગૃતિની થીમ સાથે મ્યુઝિકલ નાઇટ યોજાઇ હતી. આ ઉપરાંત ફસ્ટ વોટર પાર્ટીનું આયોજન કરાયું હતું જેમાં યુવાનો ઉત્સાહભેર જોડાયા હતાં.