ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગાંધીનગર લોકસભાના ઉમેદવાર અમિત શાહ ગુજરાતના એકદિવસીય પ્રવાસે છે ત્યારે, તેઓએ જુદી જુદી બેઠકો અને લોકસંપર્ક યાત્રા યોજીને પોતાના મતક્ષેત્રમાં વિજળીવેગે પ્રચાર-પ્રસાર હાથ ધર્યો હતો. આજરોજ દિવસ દરમ્યાન ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ઘાટલોડીયા વિધાનસભા સમાવિષ્ટ વિવિધ સોસાયટીઓના ચેરમેન-સેક્રેટરીઓ તેમજ બોડકદેવ અને થલતેજ વોર્ડના ચેરમેન અને સેક્રેટરીઓ સાથે બેઠકો કરી ચૂંટણીલક્ષી પ્રચાર-પ્રસાર કર્યો હતો. વેજલપુર વિધાનસભા અંતર્ગત વેજલપુર અને સરખેજ વોર્ડના ચેરમેન અને સેક્રેટરીઓ સાથે શ્રેણીબધ્ધ બેઠકોનું આયોજન કરી સક્ષમ ભારત અને સમૃધ્ધ ભારતના નિર્માણ માટે ફરીથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને દેશનું સુકાન સોંપવા અપીલ કરી હતી. ત્યારબાદ અમિત શાહના ગાંધીનગર લોકસભા વિસ્તારના સાણંદ ખાતે બપોરે ૧૨.૦૦ કલાકે ભવ્ય લોકસંપર્ક રોડ-શોનું આયોજન કરવામાં આવ્યુ હતુ, જેમાં અમિત શાહે ગાંધીનગર લોકસભા વિસ્તારના એપીએમસી સાણંદ ખાતેથી ભવ્ય રોડ-શોની શરૂઆત કરી હતી.
સમગ્ર રોડ-શો દરમ્યાન પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ કાર્યકર્તાઓ સાથે પદયાત્રા કરીને કાર્યકર્તાઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ રોડ-શો નીચે મુજબના રૂટ પ્રમાણે આગળ વધ્યો હતો. એપીએમસી સાણંદથી રોડ-શોનું પ્રસ્થાન થયુ હતુ, ત્યારબાદ અર્થ કોમ્પ્લેક્સ – સન્યાસ આશ્રમ રોડ – તલાટીનો મેડો – મોટી ગોલવાડ – તાલુકા પંચાયત સાણંદ – શેઠ સી.કે.હાઇસ્કુલ – બાબા સાહેબ આંબેડકર પ્રતિમા (સાણંદ એસ.ટી.સ્ટેન્ડ) – સંસ્કાર પ્રાથમિક શાળા – ગોપાલક (નળ સરોવર રોડ) – જૈનવાડી – ગઢીયા ચાર રસ્તા (બાવળા રોડ) પાસે લોકસંપર્ક યાત્રા (રોડ-શો)નું સમાપન થયુ હતુ.સાણંદ ખાતેના આશરે ૨ કિલોમીટરના રોડ-શો દરમ્યાન શહેરમાં જુદા જુદા સ્થળોએ જુદી જુદી સંસ્થાના આગેવાનો, વિવિધ વેપારી એસોશિએસનો, સમાજશ્રેષ્ઠીઓ દ્વારા પુષ્પવર્ષા કરીને ભારત માતા કી જય અને વંદે મારતમ્ ના જયઘોષ સાથે અમિત શાહનું ભવ્ય સ્વાગત અને અભિવાદન કરવામાં આવ્યું હતું.