ભાવનગર લોકસભા બેઠકનાં ભાજપના ઉમેદવાર ડા.ભારતીબેન શિયાળના સમર્થનમાં આજે ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે ગ્રામ્ય પંથકોમાં જાહેર સભાઓ અને રોડ-શો સહિતના આયોજનો કરવામાં આવ્યા હતા જેમાં ભાજપના આગેવાનો ઉમટી પડ્યા હતા અને ઠેર ઠેર ભારે સમર્થન પ્રાપ્ત થયું હતું.
તા.૨૩ એપ્રિલના રોજ રાજ્યભરની સાથો સાથ યોજાનાર ભાવનગર લોકસભા બેઠકની ચૂંટણીના જાહેર પ્રચારના આજે અંતિમ દિવસે ભાવનગર લોકસભાના ઉમેદવાર ડા.ભારતીબેન શિયાળ દ્વારા ગ્રામ્ય પંથકોમાં રોડ-શો, જનસંપર્ક તેમજ સભાઓ યોજવામાં આવી હતી. જેમાં વલ્લભીપુર, પાલીતાણા અને બોટાદ પંથકમાં ભાજપના વરિષ્ઠ આગેવાનોની ઉપસ્થિતિમાં ભવ્ય રોડ-શો કરાયા હતા. જેમાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા. ઠેર ઠેર ભારતીબેન શિયાળનું લોકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને સંસદમાં મોકલવાના કોલ આપ્યા હતા. જાહેર સભાઓમાં ભાજપના વરીષ્ઠ આગેવાનો દ્વારા પ્રવચનો કરાયા હતા. જેમાં કોંગ્રેસને આડે હાથ લીધી હતી. ભાવનગર શહેરમાં પણ આજે વિવિધ વિસ્તારોમાં જનસંપર્ક તથા ગ્રુપ મીટીંગો કરવામાં આવી હતી જેમાં ભારતીબેનને લોકો તરફથી જબ્બર આવકાર મળ્યો હતો. હવે છેલ્લા બે દિવસ ડોર ટુ ડોર પ્રચાર તેમજ ગ્રુપ મીટીંગો કરી અંતિમ પ્રચાર કરવામાં આવશે.