ઈરાન સાથે પરમાણુ સંધિ રદ્દ કર્યા પછી ચીન અને ભારત જેવા દેશોને ઈરાનનું ક્રુડ તેલ ખરીદવાની છૂટ ઉપર હવે અમેરિકા પ્રતિબંધ લાદી શકે છે એવા અહેવાલો વચ્ચે ક્રુડ ઓઈલના ભાવ ત્રણ ટકા વધી ગયા છે. જે દેશ અમેરિકા આ છૂટ હટાવે પછી પણ ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલુ રાખશે તેના ઉપર પણ અમેરિકા આર્થિક પ્રતિબંધ લાદી શકે છે. ક્રુડ ઓઈલના ભાવમાં વધારો એ ભારત માટે વધારે ચિંતાજનક છે. ભારત પોતાની જરૂરીયાતના ૮૦% ક્રુડ ઓઈલની આયાત કરે છે. આ સ્થિતિમાં ભાવ વધે તો ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને અન્ય ઇંધણના ભાવ પણ વધશે. ભારતમાં મોંઘવારી વધશે અને રૂપિયો પણ નબળો પડશે. સોમવારે ભારતનો રૂપિયો એક ડોલર સામે ૪૧ પૈસા ઘટી ૬૯.૭૭ થઇ ગયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ભારતમાં લોકસભાની ચુંટણી ચાલી રહી છે ત્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઉછાળો આવે તો શાસક પક્ષ માટેની ચિતાઓમાં ઉમેરો થશે. ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ દૈનિક ધોરણે કંપનીઓ જાહેર કરે છે.
વૈશ્વિક બજારમાં બ્રેન્ટ વાયદો ૩.૨% વધી રૂ.૭૪.૩૦ થઇ ગયો હતો જે નવેમ્બર મહિના પછીની સૌથી ઉંચી સપાટી છે. અમેરિકન ટેક્સાસ વાયદો ૨.૯% વધી ૬૫.૮૭ ડોલર થયો છે.
નવેમ્બર મહિનામાં અમેરિકાએ ઈરાન સાથેની પરમાણુ સંધિ તોડી નાખી હતી. આ પછી છ મહિના સુધી ઈરાન પાસેથી ક્રુડ ઓઈલ રીદવા માટે અમેરિકાએ છૂટ આપી હતી. છૂટ મળેલી એવા દેશોમાં ચીન, ભારત, જાપાન, દક્ષીણ કોરિયા, તાઈવાન, તુર્કી, ઇટાલી અને ગ્રીસનો સમાવેશ થાય છે. તા. ૨ મે પછી અમેરિકા ઈરાન પાસેથી ક્રુડ ઓઈલ ખરીદનારા દેશોને આવી કોઈ છૂટ આપવા માંગતું નથી. ઈરાના ક્રુડ ઓઈલ ખરીદનારા સૌથી મોટા દેશોમાં ચીન અને ભારતનો સમાવેશ થાય છે.