જિલ્લા ચૂંટણી તંત્રના અધિકારીઓ ચૂંટણીની જાહેરાત થાય તેની સાથે ચર્ચા થવા લાગે છે, કે રાજકારણીઓ ઇલેકટ્રોનિક વોટિંગ મશીન સાથે ચેડા કરીને પરિણામો ફેરવી નાખે છે. જોકે ચૂંટણી તંત્રના અધિકારીઓ તથા નિષ્ણાતોએ આ વાત ક્યારેય સ્વીકારી નથી. હાલમાં દરેક મતદાર જેનાથી અવગત થઇ ગયા છે, તે વીવીપેટ મશીનનો સૌ પ્રથમ ઉપયોગ ૨૦૧૪માં લોકસભાની ચૂંટણી વખતે દેશના ૭ શહેરમાં થયો હતો. તેમાં ગુજરાતમાંથી માત્ર ગાંધીનગરમાં વોટર વેરીફાયેબલ પેપર ઓડિટ ટ્રેઇલ મશીન મતદાન મથકો પર મુકાયા હતાં. મતદારની શંકાના સમાધાન માટેના આ મશીનમાં મતદાનનું બટન દબાવ્યા પછી ૭-૮ સેકન્ડ માટે મત કોને ગયો છે, તેની માહિતી ઉમેદવારના નામ અને તેના ચૂંટણી ચિન્હ સાથે ડિસ્પ્લે થાય છે.
ભારતનું ચૂંટણી પંચ મુક્ત અને ન્યાયી ચૂંટણીના આયોજન પર ભાર મુકે છે અને વિશ્વસનિયતા માટે સતત નવા નિયમ અને નવા પ્રયોગ કરાઇ રહ્યાં છે. તેમાં વીવીપેટ મશીન નવો ક્રાંતિકારી પ્રયોગ સાબિત થયો છે. ગાંધીનગર જિલ્લાના ચૂંટણી અધિકારી કહ્યું કે ગાંધીનગર, અમદાવાદ પૂર્વ અને મહેસાણા લોકસભામાં આવતી વિધાનસભાની ૫ બેઠક ગાંધીનગર ઉત્તર, કલોલ, ગાંધીનગર દક્ષિણ, દહેગામ અને માણસામાં ચૂંટણીની કામગીરી સાથે જોડાયેલા તમામ અધિકારી, કર્મચારીઓને વીવીપેટ સંબંધિ નિદર્શન અને તાલીમ આપી દેવામાં આવ્યા છે. કેન્દ્ર સરકાર હસ્તકના ભારત ઇલેકટ્રોનિક્સ લીમીટેડ અને ઇલેકટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા વિકસાવાયેલા વીવીપેટ મશીનને ઇલેકટ્રોનિક વોટિંગ મશીન સાથે જોડી દેવાય છે. મતદાર મતનું બટન દબાવે તે સાથે મશીનની સ્ક્રીન પર ઉમેદવારનું નામ અને ચૂંટણી ચિન્હ દેખાશે, સાથે જ પેપર સ્લીપ પ્રિન્ટ થઇને મશીન સાથે એટેચ સીલબંધ ડ્રોપ બોક્સમાં પડશે