અમદાવાદ સહિત રાજ્યમાં ગરમીનું પ્રમાણ આજે અકબંધ રહ્યું હતું. ગઇકાલની સરખામણીમાં મહત્તમ તાપમાનમાં આંશિક ફેરફારની સ્થિતિ જોવા મળી હતી. આજે મહત્તમ તાપમાન અમદાવાદમાં ૪૧.૬ રહ્યું હતું. કંડલા એરપોર્ટ ખાતે પારો ૪૨.૮ સુધી પહોંચી ગયો હતો. રાજ્યના અન્ય જે ભાગોમાં પારો આજે ૪૧થી ઉપર પહોંચ્યો હતો તેમાં ગાંધીનગરમાં ૪૧.૪, રરાજકોટમાં ૪૧.૪, સુરેન્દ્રનગરમાં ૪૧.૯, ભુજમાં ૪૧નો સમાવેશ થાય છે. કંડલા એરપોર્ટ ખાતે સૌથી વધુ ગરમીનો અનુભવ થયો હતો જ્યાં પારો ૪૨થી ઉપર પહોંચ્યો હતો. અમદાવાદમાં પારો આવતીકાલે ૪૨ સુધી પહોંચી શકે છે. બીજી બાજુ આગામી ૪૮ કલાકમાં મહત્તમ તાપમાનમાં ૩ ડિગ્રી સુધીનો ઉલ્લેખનીય વધારો થઇ શકે છે. કાતિલ ગરમીનો સામનો લોકોને કરવો પડે છે. મહત્તમ તાપમાનમાં ફરી વધારો થતા હાલ સાવચેતી રાખવાની જરૂર દેખાઈ રહી છે. આગામી દિવસોમાં ગરમીનો પ્રકોપ વધવાની પૂરી શકયતા છે ત્યારે લોકો અત્યારથી જ બળબળતીથી ગરમીથી ત્રાહિમામ્ પોકારી ગયા છે. મહત્તમ તાપમાનમાં ફરી એકવાર વધારો થવાની શરૂઆત થઇ ચુકી છે.
હાલમાં હવામાનમાં આવેલા પલટાના કારણે મહત્તમ તાપમાનમાં એકાએક ઘટાડો થયો હતો. હાલમાં ગરમીથી રાહત પણ મળી હતી. હવામાનમાં આવેલા પલટાના લીધે અમદાવાદ સહિત રાજ્યભરમાં વરસાદ અને વાવાઝોડાથી ૧૦થી વધુના મોત થયા હતા. ત્યારબાદથી તાપમાન ઘટી ગયું હતું પરંતુ વહે ફરીવાર ગરમીમાં વધારો થયો છે. વધતી જતી ગરમીને લઇને લોકો હવે સાવચેત થઇ ગયા છે. બપોરના ગાળામાં પંખા અને એસીનો ઉપયોગ ભરપુર થવા લાગી ગયો છે. આજે જુદા જુદા વિસ્તારોમાં પારામાં આંશિક ફેરફાર થયો હતો. અમદાવાદમાં આવતીકાલે મહત્તમ તાપમાન ૪૨ રહી શકે છે. વધતી જતી ગરમી વચ્ચે બહારની ચીજવસ્તુઓ ટાળવા માટેની સલાહ આપવામાં આવી રહી છે. હવામાન વિભાગના છેલ્લા ત્રણ દિવસના આંકડા અનુસાર, સમગ્ર દેશમાં સૌથી વધુ ગરમી ગુજરાતમાં પડી રહી છે. હજુ તાપમાનમાં તીવ્ર વધારો થવાના સંકેત દેખાઈ રહ્યા છે. સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ ભાગોમાં પારો વધ્યો છે. પ્રવર્તમાન સ્થિતિ અકબંધ રહી શકે છે પરંતુ આગામી ત્રણ દિવસ દરમિયાન પારો વધશે. અમદાવાદમાં પણ ગરમીના પ્રમાણમાં હજુ વધુ વધારો થવાના સંકેતો છે.