રાજ્યભરમાં ગરીબ અને વંચિત જૂથનાં બાળકોને ખાનગી શાળાઓમાં પ્રવેશ માટેનાં ફોર્મ ભરાવવાની ઓનલાઇન પ્રક્રિયા તા.રપ એપ્રિલે પૂરી થયા બાદ હવે ૬ મેના રોજ પ્રવેશની પ્રથમ યાદી બહાર પડાશે. ખાનગી સ્કૂલોમાં પ્રવેશ માટે અરજી કરનારાં બાળકોની કેટેગરીવાઇઝ સોફ્ટવેર દ્વારા પ્રવેશની યાદી તૈયાર કરી જાહેર કરાશે. જે વિદ્યાર્થીને આરટીઇ અતર્ગત પ્રવેશ મળશે તેને એડમિશન કન્ફર્મ કરાવવું પડશે. જો વિદ્યાર્થીના વાલી એડમિશન કન્ફર્મ નહીં કરાવે તો તે વિદ્યાર્થીનું એડમિશન રદ કરવામાં આવશે. હાલ અમદાવાદ શહેર સહિત રાજયભરમાં આરટીઇ એડમિશન માટે ઓનલાઇન ફોર્મ ભરવાની કામગીરી ચાલી રહી છે. તાજેતરમાં એડમિશન ફોર્મ ભરવાની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે. તા.૧પમી એપ્રિલની આખરી મુદતને વધારીને રપ એપ્રિલ કરવામાં આવી છે. આરટીઇ એડમિશનની પ્રથમ યાદી તા.૬ મેના રોજ જાહેર થશે. તે યાદીમાં જેટલા વિદ્યાર્થીઓ સમાવિષ્ટ હશે તે વિદ્યાર્થીના વાલીએ જે તે શાળામાં જઈને એડમિશન કન્ફર્મ કરાવવાનું રહેશે, જેણે એડમિશન કન્ફર્મ નહીં કરાવ્યું હોય અને એડમિશન રદ થયું હશે ત્યાર પછી પ્રથમ રાઉન્ડના અંતે વંચિત વિદ્યાર્થીઓને એસએમએસ દ્વારા ખાલી બેઠક અંગે જાણ કરવામાં આવશે. તેથી આ વિદ્યાર્થીઓ ખાલી પડેલી બેઠક પર એડમિશન મેળવી શકે. જે વિદ્યાર્થીને એસએમએસ ના મળ્યો હોય તે વિદ્યાર્થીના વાલી આરટીઈની વેબસાઈટ પર નવી ચોઈસ ભરી શકશે, જેથી કાર્યવાહી પૂરી થાય. પ્રથમ યાદીમાં વંચિત રહી ગયેલા વિદ્યાર્થીઓને બીજી યાદીમાં સમાવી લેવામાં આવશે. અમદાવાદ શહેર અને ગ્રામ્યની શાળાઓમાં આરટીઇ હેઠળ પ્રવેશ માટે ૧૯ હજાર બેઠકો સામે ગત વર્ષે ૨૮ હજારથી વધુ ફોર્મ ભરાયાં હતાં. આરટીઈ હેઠળ ખાનગી શાળાઓમાં પોતાનાં સંતાનોના પ્રવેશ મેળવવા ઈચ્છતા અરજદારો ઓનલાઈન અરજી કર્યા બાદ જરૂરી ડોક્યુમેન્ટ સાથેની અરજી તા.રપ એપ્રિલ સુધીમાં શહેરના કોઈ પણ રિસીવિંગ સેન્ટરમાં જમા કરાવી શકશે.
ગત વર્ષે રાજ્યભરમાં આરટીઈ હેઠળ એક લાખ એંશી હજારથી વધુ ફોર્મ ભરાયાં હતાં આ વર્ષે તેનાથી વધુ ફોર્મ ભરાવાની શક્યતા છે. અમદાવાદ શહેરમાં સામાન્ય રીતે ૧૦ હજાર જેટલી અરજીઓ આવતી હોય છે.
અમદાવાદ શહેર અને ગ્રામ્યનાં મળીને કુલ ર૦ હજારથી વધુ બાળકોને આરટીઈ હેઠળ પ્રવેશ અપાશે. શહેર અને ગ્રામ્ય ગુજરાતી માધ્યમની ૪૪૦, હિન્દીની ૮૦, અંગ્રેજીની ૨૫૫ અને ઉર્દૂ માધ્યમની ત્રણ તેમજ સીબીએસઈની તમામ શાળાઓને આરટીઈ હેઠળ સમાવિષ્ટ કરવામાં આવી છે.