લોકશાહીનાં પર્વમાં જોડાયેલા લેહરીલાલા ગુજરાતીઓ અને ભારતીયોને મારા શત શત વંદન…
‘મેં તો થાળ રે ભર્યો, શગ મોતીનો, હું હરખે વધાવવાને જાવ,
મારે ઘેર સોના સરીખો અવસર આવ્યો રે…’
આ અવસર એટલે આપણું લોકપર્વ લોકશાહી. રાજ્યમાં જનપ્રતિનિધિઓને ચૂંટી કાઢવા માટે યોજવામાં આવતી પ્રત્યેક ચૂંટણી દેશના દરેક નાગરીકો માટે એક અવસર હોય છે. આ અવસર દ્વારા લોકતંત્રના આધારસ્તંભ ટકે છે અને મજબૂત રીતે ઊભા રહી શકે છે. ૧૭મી લોકસભાની ચૂંટણીનાં ત્રીજા તબક્કાનાં મતદાન પ્રસંગે લોકતંત્રનાં વિવિધ આધારસ્તંભો વિષે ચર્ચા કરીએ.
લોકતંત્ર શબ્દ આપણા કાને પડતાં જ ખ્યાલ આવે છે કે લોકો વડે કે લોકો દ્વારા અને લોકો માટે ચાલતા તંત્રની જ વાત હશે. ઈતિહાસમાં ડોક્યું કરતા અનેક રાજવીઓ દ્વારા ચાલતા રાજ્યોના તંત્રની સંચાલન વ્યવસ્થા અને તેને લગતી બાબતો દ્રષ્ટિગોચર થાય છે. રાજા-મહારાજાઓ દ્વારા પ્રજા કલ્યાણ માટે વર્ષો પૂર્વે રાજ ચલાવવામાં આવતા હતા. આપણા દેશમાં પણ સેંકડો રાજાઓ દ્વારા આવા અનેક રજવાડાઓ ચાલતા હતા. મહદ્અંશે આ રજવાડાઓના રાજા કે મહારાજા વંશ પરંપરાગત કે યુદ્ધમાં વિજયી પામી નક્કી થતા. દરેક રાજાઓને તે વખતે પોતાના રાજ્યોના વિસ્તારો વધારવાની મહત્વાકાંક્ષા રહેતી હતી. પરિણામે અવાર-નવાર લોહીલુહાણ ભયંકર યુદ્ધો ખેલાતા રહેતાં. રાજા પોતાના રાજ્યનો વિસ્તાર દિનપ્રતિદિન વધારતા રહેતા અને યુદ્ધમાં પરાજિત થનારા રાજાઓ તથા નાના રજવાડાઓના રાજાઓએ કાં તો અન્યાય સહન કરી અન્યની દયાપર પોતાનું રાજ્ય ટકાવવું પડતું હતું.
આપણા દેશમાં અંગ્રેજોના પ્રવેશ પછી આ રજવાડાઓની આર્થિક કમાન્ડ મુખ્યત્વે અંગ્રેજોના હાથમાં રહેતી. અંગ્રેજોની મુકાયેલી શરતોનું દેશી રજવાડાઓએ મને-કમને સ્વીકાર કરી પાલન કરવું પડતું હતું. અંગ્રેજ સરકાર ઠરાવે તે રીતે રાજભાગ (શામિયાણું) પણ આપવો પડતો હતો. પરિણામે અન્યાય સામે લડી લેવાનો સૂર પ્રજામાં જાગવા લાગ્યો. વર્ષ ૧૮૫૭ નાં વિપ્લવથી પ્રારંભ થયેલ અંગ્રેજ સરકાર સામેની લડતે એવો તે રંગ પકડ્યો કે આખરે અંગ્રેજ સરકારને મજબૂર બની દેશને આઝાદી આપવી પડી.
૧૫મી ઓગસ્ટ, ૧૯૪૭ ના રોજ આઝાદ થયેલા ભારત દેશે લોકતંત્ર શાસન વ્યવસ્થાનો સ્વીકાર કર્યો છે. આપણે આ શાસન વ્યવસ્થાને ટેકો આપનાર, ટકાવનાર શાસન વ્યવસ્થાના આત્માસમાન અભિન્ન અંગરૂપ સ્થાન પામેલ આધારસ્તંભો વિષે જોઈએ.
અ. સુરક્ષા સાથે સંકળાયેલા કર્મવીરોઃ-
૧) સરહદ પરના લશ્કરના સૈનિકો : પ્રજાના હિતેચ્છુ અને દેશ માટે પોતાના પ્રાણનો પણ ભોગ આપી રક્ષણ કરનાર સાચા સેવક લશ્કરના પ્રત્યેક કર્મવીરો છે. જે પોતાની છાતીમાં ગોળી ખાઈને પણ પ્રજાના રક્ષણનો પોતાનો ધર્મ કદી ચૂકતા નથી પરિણામે આપણે સૌ સલામત જીવન ગુજારી શકીએ છીએ. આવા કર્મવિરોના કલ્યાણ માટે કે જંગમાં શહિદ થયેલ સૈનિકોના પરિવાર માટે જેટલાં પગલા સરકાર તરફથી સમયસર ઉદારતાપૂર્વક લેવાવા જોઈએ તેવા પગલાં હજું સુધી આવેલી સરકાર એક યા બીજી રીતે ઉણી નીવડી છે. સસ્તી લોકપ્રિયતા માટે કેટલાક દંભી નેતાઓ આવા કર્મવિરો સાથે વિવિધ તહેવારો કે પ્રસંગોની ઉજવણી કરવા પહોંચી જતા હોય છે પરંતુ તેમની સાચી સમસ્યાઓ આવા નેતાઓના દિલને આજદિન સુધી સ્પર્શી શકી નથી. જે લોકતંત્રના જવાબદાર કર્મવિરો, દેશના સાચા સપૂતો તથા આપણે સૌ પ્રજાજનો માટે ઘણું દુઃખદ છે.
૨) પોલીસતંત્રઃ પોલીસતંત્ર પણ દેશની આંતરિક સુરક્ષા માટેનો ઘણો મહત્વનો વિભાગ છે. તેમાં ફરજ બજાવતા કર્મવિરો દેશની સરહદ પરના કર્મવિરોની જેમ પ્રજા માટે તટસ્થ ભૂમિકા અદા કરતા જોવા મળતા નથી, જે ચિંતાજનક છે. ગુનેગારોને વગ અને પૈસાના નામે બક્ષવા કે કોઈના ઈશારે બિન-ગુનેગારોને ભારતીય દંડસહિતાનો બિન-બંધારણીય રીતે ઉપયોગકરી દેશદ્રોહ સુધીની કલમ લગાવી જેલના સળિયા પાછળ ધકેલાતા ખચકાતા નથી. આ ઉપરાંત બુટલેગરો, દારૂના અડ્ડા ચલાવનારા અને જમીન માફિયા જેવા લોકોને કાયદાની પરવાહ કર્યા વગર પાછલા બારણે મદદ કરી કાયદાની હસી ઉડાડે છે તે લોકતંત્ર માટે ઉધઈ સમાન છે.
બ. ન્યાયતંત્રઃ-
ભારતનું ન્યાયતંત્ર સ્વાયત ન્યાયતંત્ર છે. તે સત્તાના સિંહાસન પર બેઠેલા વ્યક્તિઓને પણ માર્ગેથી ભટકે તો શિક્ષાની તલવાર વડે તેની શાન ઠેકાણે લાવી શકે છે. તેના પર પુરાવાના આધારે ફેંસલો આપી શકે છે. ગુનેહગારને શિક્ષા અને નિર્દોષને ન્યાય આપવા તે સ્વતંત્ર છે. જેના કારણે લોકશાહી પ્રણાલી જીવંત છે જે રીતે પર્વતારોહક ઓક્સિજનના સિલિન્ડરની મદદથી શ્વાસ લઈને પોતાનું જીવન ટકાવે છે તે જ રીતે ન્યાયતંત્રના સહારે લોકશાહીમાં પ્રત્યેક વ્યક્તિઓ અન્યાય સામે ન્યાય મેળવી શકે છે. જે લોકતંત્રનું ઘણું ઉત્તમ અને અને મહત્ત્વનું પાસું ગણી શકાય. જોકે વિલંબથી મળતો ન્યાય ’વિવાહનું દાડામાં મળતું પરિણામ’ જેવું છે. તેમ છતાં આજે જે રીતે આપણા દેશનું ન્યાયતંત્ર હિંમતપૂર્વક સરકારના નિર્ણય સામે સચોટ ચુકાદાઓ આપી પ્રજાને ન્યાય આપે છે તે જ ખરા ઈશ્વરની પ્રતીતિ કરાવે છે. પરંતુ વર્તમાન સમયમાં ન્યાયતંત્રને પણ પોતાની સ્વાયત્તા ટકાવવા સત્તાતંત્ર સામે જજુમવું પડે છે. કોઈવાર મીડિયાનાં શરણે જવું પડે છે તો કોઈવાર અંતરની વરાળ પ્રજા સમક્ષ બહાર કાઢવી પડે છે. જે લોકતંત્રને વેર-વિખેર કરી શકે તેવી ઘટના કહી શકાય.
ક. પ્રચાર માધ્યમોઃ-
સામાયિક અને દૈનિક મુદ્રિત માધ્યમો તેમજ પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મિડીયા જેવા વિજાણું માધ્યમો પ્રજાના અવાજને સત્તાધીશો સુધી પહોંચાડવાનું મહામૂલું કાર્ય કરે છે. તો એ માર્ગેથી ભટકેલા સત્તાધીશોની શાનને ઠેકાણે લાવવામાં પણ મદદ કરે છે. ક્રૂર સત્તાધીશો પ્રચાર માધ્યમથી હંમેશાં ડરતા હોય છે. તેમના ભયથી તે ક્રૂર પગલાં લેતા અનેકવાર વિચાર કરે છે. પ્રચાર માધ્યમો ગમે તેવા નેતા, સાધુ-મહાત્માઓ કે કોઈપણની જાંઘ ખુલ્લી કરી શકે છે. તેથી તેઓ આવા પ્રચાર માધ્યમોના હંમેશા નિયંત્રણમાં જીવે છે જેનો લાભ સામાન્ય જનતાને મળી રહ્યો છે. આજે લોકશાહી પ્રચાર માધ્યમોના ઉપકારથી જીવે છે તેના જ પીઠબળથી તે વિકાસ પામે છે, ખીલે છે ફાલે છે અને ફૂલે છે. જો કે આજના ભ્રષ્ટાચારી નેતાઓ પૈસાના દોરડા વડે પ્રસાર માધ્યમોના ગળા દબાવવામાં કોઈવાર સફળ થઈ જતા જોવા મળે છે. પરંતુ એટલું ચોક્કસ કહી શકાય કે પ્રચાર માધ્યમના ડરના કારણે શાસકો નિયંત્રિત જરૂર રહે છે. તેને નિયંત્રણ રાખવું પડે છે કેટલાક નેતાઓ પોતાના નાના-મોટા પરાક્રમો આવા માધ્યમો દ્વારા લોકો સુધી મૂકી રાતોરાત લોકપ્રિય થઇ જતાં પણ જોવા મળે છે. તો વળી, કેટલીકવાર સાચા લોકસેવકની આવા માધ્યમોમાં બાદબાકી થતી જોવા મળે છે. તે ખરેખર લોકતંત્ર માટે શરમજનક બાબત છે કારણ કે પ્રચાર માધ્યમોએ પણ ન્યાયતંત્રની જેમ જ પોતાની ભૂમિકા ભજવવી જોઈએ. પૈસા માટે ઘણી વખત ક્ષમતા વગરના કે જૂઠાણા ફેલાવી ધાક જમાવવા માંગતા નેતાઓની પ્રશંસાથી શક્ય તેટલું દૂર રહેવું જોઈએ તો જ લોકશાહી અકબંધ રહેશે. લોકશાહીનો જવતલ્યોભાઈ પ્રચાર માધ્યમ છે તેથી તેમણે તેમના રક્ષણ માટે દિન-પ્રતિદિન કામ કરતા રહેવું પડશે અને તો જ શાસન વ્યવસ્થામાં લોકશાહી જીવંત રહી શકશે.
ડ. સંગઠન શક્તિઃ-
લોકશાહી રાજયવ્યવસ્થામાં ’સંગઠનશક્તિ’ સૌથી મહત્ત્વનું સ્થાન ધરાવે છે. સામાન્ય રીતે એકથી વધુ માનવીય તત્ત્વોના એકત્રિત થવાથી સંગઠનનો પ્રારંભ થાય છે, આવા સંગઠનો ચોક્કસ હેતુ, પ્રજા ઉપયોગી કાર્યો કે રાજકીય હેતુ માટે રચવામાં આવતા હોય છે. રાજકીયપક્ષ એ પણ સંગઠનનું બીજું નામ છે. સૌથી મોટું સંગઠન-લોકતંત્રનું હંમેશા ચાલક બળ બને છે અને આવા સંગઠનને દેશનો કારોબાર સોંપવામાં આવે છે. આપણે ત્યાં જુદા જુદા રાજકીય પક્ષો પોતાના ચોક્કસ એજન્ડા એટલે કે કાર્યસૂચિ મુજબ ચૂંટણી સમયે પ્રજા સમક્ષ ચૂંટણી ઢંઢેરો પ્રસિદ્ધ કરી તેઓ પ્રજાના કલ્યાણ માટે કઈ રીતે કાર્ય કરશે તેની ખાતરી આપે છે. જોકે આજકાલ મોટાભાગના રાજકીય પક્ષો પોતાના ચૂંટણી ઢંઢેરામાં જે ખાતરી કે બાંહેધરી આપે છે તેનો અમલ કરવાની આયોજન શક્તિ ભાગ્યે જ ધરાવતા હોય છે. પરંતુ પોતાની સત્તાની રાજકીય મંછા હાંસલ કરવા તેઓ પ્રજાને ભ્રમિત કરી એક યા બીજી રીતે સત્તા મેળવી લેવામાં સફળ થઈ જતા જોવા મળે છે.
ચૂંટણી સમયે નેતાઓ જે વચનોની લ્હાણી કરે છે તેને પૂરા કરવાની ભાગ્યે જ ઈચ્છાશક્તિ ધરાવતા હોય છે ઊલટાનું તેના પુર્વગામી અન્ય પક્ષના નેતાઓ પર દોષારોપણ કરી પોતાની છબીને ઉજળી બતાવવાનું કામ હંમેશા કરતા રહે છે. એકની એક વાત જનતા સમક્ષ મૂકી પોતાની સત્તાનો આગામી પાંચ વર્ષનો પરવાનો તાજો કરી લેવા ગમે તે હદે જઈ શકે છે. આવા નેતાઓ પ્રજાનો મિજાજ ઓળખી, સ્થાનિક સંવેદનશીલ મુદ્દાઓ રજૂ કરી પ્રજાને ગુમરાહ કરી ધાર્યું પરિણામ હાંસલ કરી લેવા ભારે મોટું પ્રપંચ રચી શકે છે. લોકશાહીને ટકાવવા લોકશાહીનો જે આત્મા છે તે જ પ્રજાએ જાગવું પડશે. વિધાનસભાગૃહ કે લોકસભામાં કોઇપણ રાજકીયપક્ષને બહુમતી ન મળે તે રીતે મતદાન કરી પ્રજાએ પોતાનું નિયંત્રણ સત્તાતંત્ર પર સ્થાપિત કરવાની આવશ્યકતા ઊભી થઇ છે. ત્યારે મને શ્રદ્ધા છે કે મારી આ વાતને સમજી, પ્રજા લોકશાહીના હિતમાં પોતાની વિવેકબુદ્ધિનો ઉપયોગ કરી લોકપર્વ એટલે કે ચૂંટણી દરમિયાન પોતાને મળેલ મતાધિકારનો સદ્ ઉપયોગ સોએ સો ટકા કરશે. તેમજ પ્રજા કલ્યાણ માટે સનિષ્ઠ કાર્યકરની ઓળખ મેળવી તેવા જ કાર્યકરને ચૂંટી કાઢવાનો મોકો જતો કરશે નહીં. છેલ્લા કેટલાક વર્ષોથી રાજકીય નેતાઓ આંખોને આંજી દે તવા પ્રપંચ રચી આભાસી સંવેદનાઓ, લાલચનો સહારો લઇ સત્તા મેળવવામાં સફળતા મેળવી છે જે લોકશાહી તંત્ર માટે ભયાનક છે. કોઇપણ રાજકીય પક્ષના નેતા હોય પરંતુ તેની પ્રતિભા ખરડાયેલી હોય તો આવા લોકોને સત્તાના સૂત્રો સોંપતા પહેલા પ્રજાને અનેકવાર વિચારવું જોઈએ. તડિપાર અને હદપાર થયેલા નેતાઓ જ્યારે ટોચની ખુરશી પર બેસી જાય છે ત્યારે બાયપાસ સર્જરી થયેલા દર્દી જેવી લોકશાહીની હાલત થઈ જાય છે જે રીતે બાયપાસ સર્જરી કરેલ દર્દીઓએ પોતાના આહાર પર નિયંત્રણ રાખવાનો હોય છે. તે જ રીતે ગુનાહિત નેતાઓના રાજકીય ભાવિ પર પ્રજાજનોએ નિયંત્રણ રાખવાની તાકીદે જરૂરિયાત ઉભી થઈ છે.
રાજ્યતંત્રને ગતિશીલ અને કાર્યાન્વિત રાખવા પ્રજાએ પોતે ચૂંટેલા નેતાઓને સમયાંતરે રાજકીય અને પ્રજાલક્ષી કરેલ કામગીરી વિશે પ્રશ્નોત્તરી કરી જાણકારી મેળવતા રહેવું જોઈએ. આ કાર્યમાં પ્રસાર માધ્યમોએ પણ પોતાની ભૂમિકા નિષ્ઠાપૂર્વક બજાવવી જોઈએ. આકાશવાણી-દૂરદર્શન પર માત્ર સરકારની વાહવાહના સમાચાર પ્રસ્તુત કરવાને બદલે સામાન્ય જનતા સહીત સારા કાર્યોની નોંધ લેતા સમાચારો પણ પ્રસિદ્ધ કરવા જોઈએ. જ્યારે નિષ્પક્ષતાનો અભાવ જોવા મળે ત્યારે જનતાએ દરમિયાનગીરી કરી લોકશાહીના રક્ષણ માટે પ્રજાના અવાજને સ્થાન મળે તેવી ચળવળ ચલાવી, યોગ્ય વ્યવસ્થા પ્રસ્થાપિત કરવા પોતાનું યોગદાન આપવું જોઈએ. ટૂંકમાં “સંપ ત્યાં જંપ”. પ્રજામાં સંપ હશે તો જ લોકતંત્રનો પ્રાણ ‘લોકશાહી વ્યવસ્થા’ અકબંધ રહેશે. અન્યથા તે સરમુખત્યાર કે પ્રજા માટે હાનિકારક બની રહેશે.
આપણે આપણી લોકશાહીને ટકાવવા સત્તરમી લોકસભામાં ત્રીજા તબક્કામાં આપણો પવિત્ર અને કિંમતી મત આપી યોગ્ય ગુણવાન નેતાની પસંદગી કરીએ.
‘ભાષાનો ખોલી ખજાનો, શબ્દની ભરી ફાટ,
કાશ મળે કોઈ, સેવાનો સમ્રાટ.’