રૂ. ૮૨ લાખનાં ખર્ચે નવનિર્મિત સુત્રાપાડા સેવા સદનનું આજે લોકાર્પણ પાણી-પૂરવઠા રાજ્યમંત્રી જશાભાઇ બારડ અને સાંસદ રાજેશભાઇ ચુડાસમાનાં હસ્તે કરાયું હતું. સરકારની સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટમાંથી ૨૦૦ ચો.મિટરનાં વિસ્તારમાં બે માળનાં બિલ્ડીંગને મહાનુભાવોનાં હસ્તે આજે ખુલ્લું મુકાયું હતું.
આ તકે મંત્રીએ જણાવ્યું હતું કે, સુત્રાપાડાની ચોવીસ હજારની વસ્તીને હવે નવનિર્મિત સેવા સદનનો લાભ મળી રહેશે. આ સેવા સદનમાં ઓનલાઇન કામગીરી કરવાની સાથે અરજદારોને તેમનાં પ્રશ્નોનું તાત્કાલીક નિરાકરણ કરવામાં આવશે. તેઓશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, આવનારા દિવસોમાં સુત્રાપાડાની કાયાપલટ કરવામાં આવશે. સાંસદ રાજેશભાઇ ચુડાસમાએ જણાવ્યું હતું કે, સરકારે ગ્રામ્ય અને શહેરી વિસ્તારનાં વિકાસની ચિંતા કરી લોકોને ખુબ સારી સુવિધા મળી રહે તે માટે નવા સેવા સદનો બનાવવામાં આવી રહ્યા છે. જેનો લાભ પણ લોકોને મળવાની સાથે વહિવટમાં પારદર્શિતા આવી છે. વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાનાં પ્રમુખ જગદીશભાઇ ફોફંડીએ જણાવ્યું હતું કે, સુત્રાપાડામાં ખુબ સારી સ્વચ્છતા હોવાની સાથે સ્વચ્છ શહેરની ઓળખ ઉભી કરી છે. આ તકે પ્રાંત અધિકારી એસ.જી.વ્યાસ, સુત્રાપાડા માર્કેટીંગ યાર્ડ ચેરમેન દિલીપભાઇ બારડ, સુત્રાપાડા નગરપાલિકા પ્રમુખ ઉજીબેન બારડ, અગ્રણી પ્રવિણભાઇ રૂપારેલીયા, હરેશભાઇ મોરી, જેસીંગભાઇ, કાળાભાઇ બારડ, નથુભાઇ કામણીયા, મનુભાઇ બારડ, ચીફ ઓફીસર જે.બી.સોની, અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.