સપા-બસપા ગઠબંધને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરૂદ્ધ વારાણસી સંસદીય બેઠકથી શાલિની યાદવને ઉમેદવાર બનાવ્યા છે. શાલિની યાદવ પહેલાં કોંગ્રેસમાં હતી. તે વારાણસીથી મેયરની ચૂંટણી કોંગ્રેસ પાર્ટીના સિમ્બોલ પર લડી ચૂકી છે. જો કે, કોંગ્રેસ પાર્ટી પણ કોઇ દિગ્ગજને અહીં ઉતારશે તો મુકાબલો રસપ્રદ થઇ શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરૂદ્ધ સમાજવાદી પાર્ટી (સપા) અને બહુજન સમાજ પાર્ટી (બસપા) ગઠબંધને વારાણસી બેઠક પર પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે. પીએમ મોદી વિરૂદ્ધ શાલિની યાદવ પોતાનું નસીબ અજમાવશે. આ અગાઉ શાલિની યાદવ કોંગ્રેસમાં હતા, તેઓએ પાર્ટી બદલીને સોમવારે સમાજવાદી પાર્ટી જોઇન કરી લીધી હતી. વારાણસીની આ સીટ ગઠબંધનમાં સમાજવાદી પાર્ટીના ખાતામાં આવી ગઇ છે.
એવામાં સમાજવાદી પાર્ટી પીએમ મોદી વિરૂદ્ધ ટક્કર આપનાર કોઇ ઉમેદવારના નામ પર નિર્ણય કરી શકતી નહતી. પાર્ટીને પોતાની પાર્ટીમાં કોઇ નેતા નહીં મળતા, પૂર્વ કોંગ્રેસીને જ પાર્ટીમાં સામેલ કરી લીધા. વારાણસી સીટ લોકસભા ચૂંટણી ૨૦૧૪ બાદથી જ સૌથી વીઆઇપી સીટમાં ફેરવાઇ ગઇ હતી. અહીં જો કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી મેદાનમાં નહીં ઉતરે તો લડાઇ અત્યંત સરળ સાબિત થઇ શકે છે. શાલિની યાદવના પારિવારિક પૃષ્ઠભૂમિની વાત કરીએ તો કોંગ્રેસ સાથે તેઓનો જૂનો સંબંધ છે. આ અગાઉ શાલિની વારાણસીથી મેયરની ચૂંટણી લડી ચૂક્યા છે.