આજે વડોદરા રેલવે સ્ટેશન ખાતે છેલ્લા ૧૧ મહિનાથી પાકિસ્તાનની જેલમાં બંધક થયેલ માછીમારો રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચ્યા હતા. આ માછીમારોને પોલીસ અને મત્સ્ય ઉદ્યોગના અધિકારીઓ સૌરાષ્ટ્ર ખાતે બસ દ્વારા લઈ જવા માટે રવાના થયા હતા.
સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લામાં રહેતા અને માછીમારી સાથે સંકળાયેલ માછીમારોને આજથી ૧૧ મહિના પહેલા દરિયામાં સીમા ઉલ્લંઘન કરવા બદલ પાકિસ્તાન મરીને અટકાયત કરી પાસેની જેલમાં બંધક બનાવીને રાખ્યા હતા.
જો કે પાકિસ્તાને કુલ ૧૪૭ માછીમારોની ધરપકડ કરી હતી, જેમાંથી ૭૪ માછીમારોને પાકિસ્તાને જેલમાંથી મુક્ત કર્યાં છે અને હજુ ૭૩ જેટલા માછીમારો પાકિસ્તાનની જેલમાં બંધ છે.
૧૧ મહિના પહેલા પાકિસ્તાન મરીને ૧૪૭ જેટલા ભારતીય માછીમારોની ધરપકડ કરી હતી અને તેમને ભારત પરત મોકલવાનુ નક્કી કરી લીધું હતું. આ યોજના પ્રમાણે જ ૭૪ ભારતીય માછીમારોને વાઘા બોર્ડર ખાતે કેન્દ્ર તથા રાજ્ય સરકારના મત્સ્ય ઉદ્યોગના અધિકારીઓની હાજરીમાં સુપરત કરવામાં આવ્યા હતા.આ તમામ માછીમારોને વિશેષ સુરક્ષા કવચ પૂરું પાડીને ગોલ્ડન ટેમ્પલ ટ્રેન દ્વારા વડોદરા લાવવામાં આવ્યા હતા, જ્યાંથી અધિકારીઓ તેમને બસ દ્વારા સૌરાષ્ટ્ર લઈ ગયા હતા. જો કે બાકીના ૭૩ માછીમારોને આવતીકાલે મુક્ત કરવામાં આવશે.