ગાંધીનગર લોકસભા બેઠકમાં ઉત્સાહપૂર્ણ મતદાન

660

ગાંધીનગર લોકસભાની બેઠક હાઈપ્રોફાઈલ અને રાષ્ટ્રીય બેઠક ગણાય છે. જેમાં સવારે ૭.૦૦ વાગ્યાથી જ લોકોએ મતદાનમાં ઉત્સાહ દેખાડયો હતો. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ અને કોંગ્રેસના સી. જે. ચાવડા વચ્ચે સીધી ટકકર જોવા મળી હતી. જો કે આ શીટ ભાજપની પરંપરાગત શીટ ગણાય છે. અડવાણી આ અગાઉ સાડા ચાર લાખ જેટલાં મતોથી જીત્યા હતા. અત્યારે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જયારે લડી રહ્યા છે ત્યારે લીડમાં ઘટાડો ન થાય તે માટે ભાજપ દ્વારા એડીચોટીનું જોર લગાડવામાં આવ્યું હતું. ભાજપ માટે આ બેઠકની લીડ હારજીત કરતાં પણ વધુ મહત્વની અને ઈજજત વાળી ગણાય.

ગાંધીનગરમાં યુવાનો, વૃધ્ધો, વિકલાંગ સહિત તમામ નાગરિકોએ તે પછી શહેર હોય કે ગ્રામ્ય સવારથી જ મતદાન માટે ઉત્સાહ બતાવ્યો હતો. છેલ્લા આંકડા મુજબ પ.૦૦ વાગ્યા સુધીમાં ૬૧.૧૮ ટકા મતદાન થયા હોવાના અહેવાલો પ્રાપ્ત થયા હતા. આમ સરેરાશ ગુજરાતના મતદાન કરતાં ગાંધીનગર લોકસભા બેઠકના મતદાનના આંકડા ઉત્સાહપૂર્ણ જણાયા હતા.

ગાંધીનગરની લોકસભા બેઠક પર સવારથી જ લાઈન લગાવી મતદારો મતદાન કરી રહ્યા હતા. અને મતદારોમાં મતદાનને લઈને ઉત્સાહ પણ જોવા મળ્યો હતો. ઉપરાંત શહેરના દિવ્યાંગો પણ પોતાની ફરજ નિભાવતા જોવા મળ્યા હતા. વેજલપુરની બોસ્કો સ્કૂલમાં બ્લાઇન્ડ અને શારીરિક રીતે પડકારવાળા લોકો પણ કાળઝાળ ગરમી વચ્ચે મતદાન કરવા પહોચ્યા હતા.

રાજ્યભરમાં સૌ પ્રથમ વખત દિવ્યાંગો માટે ૧૮૨ મતદાન મથક ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. ઉપરાંત દિવ્યાંગ અને વિકલાંગો માટે વ્હીલચેર અને મદદગારની પણ સુવિધા આપવામાં આવશે. ગુજરાતભરમાં અલગ અલગ મતદાન મથકો પર મતદાર કરવા માટે આવતા દિવ્યાંગોની દેખરેખ માટે અલગથી સ્ટાફની ગોઠવણી કરવામાં આવી છે.

Previous articleરાજ્યપાલ ઓ.પી.કોહલીએ ગાંધીનગરમાં મતદાન કર્યું
Next articleશ્રીલંકા બ્લાસ્ટમાં મૃત્યુઆંક વધી ૩૨૫ : ISની હુમલામાં સંડોવણી