ગાંધીનગર લોકસભા બેઠક પર ૬૪.૮૭ ટકા જેવું મતદાન થયુ હતુ. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર એસ કે લાંગાએ કહ્યું કે બેઠક વિસ્તારમાં શાતીપૂર્ણ મતદાન થયું હતુ. સાણંદના બુથ નંબર ૭૨ પર મોકપોલ બાદ તેનો ડેટા ઇરેઝ કરવાનું રહી જતા મોકપોલના ૫૪ મત પણ મશીનમાં ગણતરીમાં આવી ગયા હતા. તેના સંબંધે રાજકીય એજન્ટો સાથે વાત કર્યા બાદ અને મોકપોલની વીવીપેટ સ્લીપો અલગ કરી લેવાઇ હતી. આ મુદ્દે ચૂંટણી પંચને વિગતવારનો રિપોર્ટ કરાયો છે. હવે જો ચૂંટણી પંચ કહેશે તો આ બુથ પર ફેર મતદાન કરવામાં આવી શકે તેવી શક્યતા છે.
દરમિયાન ઘાટલોડિયામાં સૌથી વધુ ૬૮.૯૫ ટકા અને સૌથી ઓછું વેજલપુરમાં ૬૦.૩૧ ટકા મતદાન થયુ હતુ. જ્યારે સાણંદમાં ૬૮.૩૫ ટકા, કલોલમાં ૬૭.૪૫ ટકા, નારણપુરામાં ૬૩ ટકા, ગાંધીનગર ઉત્તરમાં ૫૭.૮૦ ટકા અને સાબરમતી મત વિસ્તારમાં ૬૩.૨૫ ટકા સરેરાશ મતદાન થયાનું જિલ્લા ચૂંટણી તંત્રના સુત્રોએ જણાવ્યું હતુ.
મતદાનની પ્રકિર્યા સવારે ૭ વાગ્યા બાદ શરૂ થઇ હતી. મોટા ભાગના મતદાન કેન્દ્રો પર મતદારો આવી પહોંચ્યા બાદ પ્રક્રિયા શરૂ કરાઇ હતી. પરિણામે સવારમાં જ મત કેન્દ્રો પર મતદાતાઓની લાઇન લાગવાના દશ્યો સર્જાયા હતા. જિલ્લા તંત્રે બે મહિનાથી કરેલી તૈયારીના કારણે વહીવટી સમસ્યા સર્જાઇ ન હતી. ઘર્ષણ કે બુથ કેપ્ચર થવા જેવા બનાવો સુરક્ષા વ્યવસ્થાથી બન્યા ન હતા. પરંતુ ઇવીએમ બગડયા હતા. જે તુરંત બદલાવી દેવાયા હતા. ગાંધીનગરમાં વડાપ્રધાનના માતા હિરાબા રાજ્યપાલ કોહલી, મેયર રીટાબેન પટેલ, મુખ્ય સચિવ જે એન સીંઘ, મુખ્ય ચૂંટણી અધિકારી મુરલી ક્રિષ્ના, કલેક્ટર લાંગા, પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, કોંગ્રેસના ઉમેદવાર સી જે ચાવડાએ મતદાન કર્યુ હતું.
ગાંધીનગર સીટના કોંગ્રેસના ઉમેદવાર ચાવડાએ સેકટર-૧૯ અને કલેક્ટર લાંગાએ સેક્ટર-૨૦ તેમજ મેયર રીટાબહેને સેક્ટર-૨૨ ખાતે મતદાન કર્યું હતું.