ગુજરાતની લોકસભાની ૨૬ બેઠક પર ૨૩મી એપ્રિલના રોજ મતદાન યોજાયું હતું. ગુજરાતની તમામ બેઠકો પર શાંતિપૂર્ણ રીતે મતદાન સંપન્ન થયું હતું. આ દરમિયાન અમદાવાદના બાવળાના બાપુપુરા ગામમાં બોગસ વોટિંગ થયું હોવાનો વીડિયો વાયરલ થયો છે. આ મામલે કોંગ્રેસે તપાસ કરીને પગલાં લેવાની માંગણી કરી છે. આ મામલે ગુજરાતના મુખ્ય ચૂંટણી કમિશ્નરે ગાંધીનગર જિલ્લાના ચૂંટણી અધિકારીને તપાસના આદેશ કર્યા છે.
બાવળાના બાપુપુરા ગામમાં બોગસ વોટિંગ થયું હતું. વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ મતદાર યાદીમાં નામ જોઈને તેના નામ સામે સહી કરી રહ્યો છે, જ્યારે બીજો વ્યક્તિ ઈવીએમ પાસે ઉભો રહીને વોટિંગ કરી રહ્યો છે. વીડિયોમાં જોવા મળતો વ્યક્તિ અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ જીતેન્દ્રસિંહ ચૌહાણ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
વીડિયોમાં જોઈ શકાય કે ફરજ પરના કોઈ કર્મચારીએ પણ બોગસ વોટિંગનો વિરોધ કર્યો ન હતો. એવું પણ જોઈ શકાય છે કે જેમણે મત નથી નાખ્યો તેમના મતો બીજેપીના નેતા કરાવી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટીના જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા અમરસિંહ ચૌહાણે જણાવ્યું કે, તેઓ આ મામલે પોલીસ અને ચૂંટણી પંચમાં ફરિયાદ કરશે અને કોર્ટમાં જશે. આ બૂથ પર ચૂંટણી રદ કરવા તેમજ ફરીથી મતદાન કરવાની અપીલ કરવામાં આવશે. આ વીડિયો જેમને મળ્યો હતો તે કોંગ્રેસ નેતા સંજય મકવાણાએ ન્યૂઝ૧૮ ગુજરાતી સાથે વાતચીત કરતા જણાવ્યું કે, “રાત્રે આશરે ૧૦થી ૧૦.૩૦ની વચ્ચે મારા ફોનમાં આ વીડિયો આવ્યો હતો. આ વીડિયો બૂથ ખાતે રહેલા કોંગ્રેસના એજન્ટ સુરેશભાઈએ મને મોકલ્યો હતો. આ મામલે ગાંધીનગર બેઠકના ઉમેદવાર સી.જે. ચાડવાનું ધ્યાન દોરવામાં આવ્યું છે. અમે આ મામલે કાર્યવાહી કરવાની તૈયારી કરી લીધી છે.”
આ મામલે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના પ્રવક્તા ડો. મનિષ દોશીએ જણાવ્યું કે, “આ ખરેખર ખૂબ જ ગંભીર બાબત છે. પારદર્શક અને લોકો ભય વગર મતદાન કરે તે જોવાની જવાબદારી ભાજપની છે. ચૂંટણી પંચે આ બાબતને ગંભીરતાથી લેવી જોઈએ. જે પણ જગ્યાએ બોગસ વોટિંગની ફરિયાદ થઈ છે ત્યાં અમે પગલાં ભરવા માટે ચૂંટણી પંચમાં રજુઆત કરીશું.