લોકસભાની ૩ બેઠક ગાંધીનગર, અમદાવાદ પૂર્વ અને મહેસાણા બેઠક વિસ્તારમાં મતદાન કરતા ગાંધીનગર જિલ્લાના મતદારોમાં કલોલના મતદારો મતદાન કરવામાં સૌથી અગ્રેસર રહ્યાં છે, જ્યારે દહેગામના મતદારોએ સૌથી ઓછું મતદાન કર્યું છે. ચૂંટણી તંત્રના સુત્રોના જણાવવા પ્રમાણે જિલ્લાની વિધાનસભાની ૫ બેઠક પૈકી ગાંધીનગર લોકસભામાં આવતી કલોલ વિધાનસભાના મત વિસ્તારમાં સૌથી ૬૭.૪૫ ટકા સરેરાશ મતદાન નોંધાયુ હતુ. જ્યારે ગાંધીનગર ઉતર મત વિસ્તારમાં ૬૨.૪૩ ટકા મતદાન થયુ હતુ.
અમદાવાદ પૂર્વ લોકસભામાં સમાવિષ્ટ ગાંધીનગર દક્ષિણ વિધાનસભા મત વિસ્તારમાં ૬૪.૪૦ ટકા અને દહેગામ મત વિસ્તારમાં ૬૦.૬૯ ટકા સરેરાશ મતદાન નોંધાયુ હતુ. જ્યારે મહેસાણા લોકસભા મત વિસ્તારમાં આવતી વિધાનસભા ની માણસા બેઠકના મત વિસ્તારમાં ૬૩.૬૭ ટકા મતદાન થયુ હતુ. આ રીતે આ વખતે સમગ્ર જિલ્લામા કલોલ મતદાનમા આગળ રહ્યુ છે. લોકસભાની ગત ચૂંટણી વર્ષ ૨૦૧૪માં એપ્રિલ મહિનાની ૩૦મી તારીખે યોજાઇ હતી. ત્યારે માણસા મત વિસ્તારમાં સૌથી વધુ ૬૫.૧૫ ટકા, કલોલ મત વિસ્તારમાં ૬૪.૨૪ ટકા, ગાંધીનગર દક્ષિણમાં ૬૩.૧૮ ટકા, ગાંધીનગર ઉત્તરમાં ૬૨.૭૨ ટકા અને દહેગામ વિધાનસભા મત વિસ્તારમાં ૫૪.૪૦ ટકા મતદાન થયુ હતુ. ગાંધીનગર જિલ્લામાં થર્ડ જેન્ડરના ૩૭ મતદાર નોંધાયેલા છે. તેમાંથી માત્ર ૩ મતદારે મતદાન કર્યુ હતું. તેમાં ગાંધીનગર ઉત્તર, ગાંધીનગર દક્ષિણ અને દહેગામમાં ૧-૧ મત નોંધાયો હતો.