દિલ્હી સ્થિત કેનેડાના હાઇ કમિશનર નાદીર પટેલે ગાંધીનગર પાસે આવેલી અડાલજની વાવની મુલાકાત લીધી હતી. પૌરાણિક અડાલજની વાવની ઐતિહાસિક માહિતી મેળવી હતી. તેમજ વાવની અદૂભૂત સ્થાપત્ય અને શિલ્પકલા નિહાળીને અભિભૂત થઇ ગયા હતા.
ગુજરાતી મૂળ અને ભરૂચ જિલ્લાના વતની એવા કેનેડાના હાઇ કમિશનર નાદીર પટેલે ઐતિહાસિક વાવ નિહાળીને ગુજરાતી ભાષામાં વાત ચીત કરી જણાવ્યું હતું કે, અડાલજની આ ઐતિહાસિક વાવની મુલાકાતે હું મારા કુટુંબીજનો સાથે ચોક્કસ આવીશ. જિલ્લા કલેકટર સતીશ પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી દેવાંગ દેસાઇએ કેનેડીયન ડેલીગેશનનું સ્વાગત કર્યું હતું. અડાલજ ગામની બાળઓએ કુમકુમ તિલકથી ઢોલ નગારા સાથે ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ સ્વાગત કર્યું હતું.
કલેકટર સતીશ પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી દેવાંગ દેસાઇએ ગુજરાતના પ્રવાસન ધામો અંગે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા પ્રસિધ્ધ કરાયેલ ’ગુજરાતના ૫૦ ગોલ્ડન ડિસ્ટીનેશન’ પુસ્તક અર્પણ કર્યું હતું અમદાવાદ ખાતેના કેનેડાના ટ્રેડ કમિશનર જોઅચીમ રોચા પણ ઉપસ્થિત રહ્યાં હતા. અડાલજ ગામના ડેપ્યુટી સરપંચ ઇશ્વરજી વાધેલા અને તલાટી ભરતભાઇ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.