ભાવનગર શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત રહેતા રાહદારીઓ અને વાહન ચાલકો પરેશાની ભોગવી રહ્યાં છે. શહેરના ભીડભંજન મહાદેવ ચોક પાસે રોડ પર બે ખૂંટીયાઓએ આતંક મચાવ્યો હતો.
શહેરના ભીડભંજન મહાદેવ ચોક, જિલ્લા પંચાયત કચેરીના મુખ્ય દરવાજા પાસે બે ખૂંટીયા વચ્ચે લડાઇ થતાં રાહદારીઓ અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. બંને ખૂંટીયાઓને છુટા પાડવા માટે લોકોએ પ્રયાસ કરતાં ઉશ્કેરાયેલા ખૂંટીયાએ એક આધેડ વયના વ્યક્તિ પર હુમલો કરી ઇજા પહોંચાડી હતી. ભાવનગર મહાનગર પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓને લોકો અને વેપારીઓ પાસેથી ટેક્સ અને દંડ કઇ રીેતે વસુલતો તે આવડત છે પરંતુ વર્ષોથી નગરજનો રખડતા ઢોરનો ત્રાસ ભોગવી રહ્યાં છે ત્યારે આ સમસ્યા હલ કરવાનો ઉપાય નથી. ભાવનગરના પૂર્વ ડેપ્યુટી મેયર સહિત અનેક લોકોનો રખડતા ઢોરે ભોગ લીધો છે. છતાં તંત્ર દ્વારા આ સમસ્યાના હલ માટે નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા લોકો ત્રાસ ભોગવી રહ્યા છે.