શેરબજારમાં આજે ફરીવાર મંદીનું મોજુ ફરી વળ્યું હતું. ઉતારચઢાવની સ્થિતિના લીધે કારોબારીઓ નિરાશ થયેલા છે. ફાઈનાન્સિયલ અને મેટલના શેરમાં તીવ્ર કડાકો બોલી ગયો હતો. માર્ચ સિરિઝ ફ્યુચર એન્ડ ઓપ્શન કોન્ટ્રાક્ટને લઇને કારોબારીઓમાં ચર્ચા રહી હતી. છેલ્લી ઘડીમાં વેચવાલી જોવા મળી હતી. બીજી બાજુ બ્રેન્ટ ઓઇલની કિંમત ૨૦૧૯માં પ્રથમ વખત ૭૫ ડોલર પ્રતિ બેરલની સપાટી ઉપર પહોંચી ગઈ છે. રશિયન ક્રૂડની નિકાસને લઇને પણ કારોબારીઓ ચિંતિત દેખાઈ રહ્યા છે. અમમેરિકા દ્વારા ઇરાન ઉપર નિયંત્રણોને વધુ કઠોર કરી દેવાયા છે. આજે ફાઈનાન્સિયલ અને મેટલના શેરમાં મંદી વચ્ચે સેંસેક્સ ૩૨૪ પોઇન્ટ ઘટીને નવી નીચી સપાટીએ રહ્યો હતો તેની સપાટી ૩૮૭૩૧ નોંધાઈ હતી. સેંસેક્સે ફરી એકવાર ૩૯૦૦૦ની સપાટી ગુમાવી દીધી હતી. બીજી બાજુ નિફ્ટી ૮૪ પોઇન્ટ ઘટીને ૧૧૬૪૨ની સપાટીએ રહ્યો હતો. તેના શેરમાં ૦.૭૨ ટકાનો ઘટાડો નોંધાયો હતો. માર્કેટ બ્રીડ્થ વેચવાલીમાં રહી હતી. ૯૬૩ શેરમાં મંદી અને ૭૭૭ શેરમાં તેજી જામી હતી. સેક્ટરલ ઇન્ડેક્સની વાત કરવામાં આવે તો નિફ્ટી રિયાલીટી ઇન્ડેક્સમાં તેજી રહી હતી. નિફ્ટી મેટલ ઇન્ડેક્સમાં ૧.૮૬ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સમાં ૧.૫૬ ટકાનો ઘટાડો રહ્યો હતો. બ્રોડર માર્કેટમાં બીએસઇ મિડકેપ ઇન્ડેક્સમાં ૮૮ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી વધુ નીચે પહોંચીને ૧૫૧૩૦ રહી હતી. બીએસઈ સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૮ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૪૮૩૯ રહી હતી. છ કંપનીઓના શેરમાં નવી ઉંચી સપાટી જોવા મળી હતી. મારુતિ સુઝુકીના શેરમાં ૨.૨૩ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. વિદેશી મૂડીરોકાણકારોએ એપ્રિલ મહિનામાં હજુ સુધી ભારતીય મૂડી માર્કેટમાં ૧૧૦૧૨ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. વૈશ્વિક સ્તર પર લિક્વિડિટીની સ્થિતિને લઈને માહોલ સુધરી રહ્યો છે. આંકડા દર્શાવે છે કે વિદેશી મૂડીરોકાણકારોએ અગાઉના બે મહિનામાં જંગી નાણા ઠાલવ્યા હતા જે પૈકી ફેબ્રુઆરી મહિનામાં ૧૧૧૮૨ કરોડ રૂપિયા અને માર્ચ મહિનામાં ૪૫૯૮૧ કરોડ રૂપિયા ઠાલવવામાં આવ્યા હતા. તે પહેલા જાન્યુઆરી મહિનામાં મૂડી માર્કેટમાંથી એફપીઆઈ દ્વારા ૫૩૬૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા હતા. ડિપોઝીટરી ડેટામાં જણાવવામાં આવ્યું છે કે પહેલીથી ૧૬મી એપ્રિલ વચ્ચેના ગાળામાં વિદેશી મૂડીરોકાણકારોએ ઈક્વિટીમાં ૧૪૩૦૦.૨૨ કરોડ રૂપિયા ઠાલવ્યા છે. ગઇકાલે સેંસેક્સ સૌથી ઉંચી સપાટીએ રહ્યો હતો. સેંસેક્સ ૪૯૦ પોઇન્ટ ઉછળીને ૩૯૦૫૫ની સપાટીએ રહ્યો હતો. બીજી બાજુ નેશનલ સ્ટોક એક્સચેંજમાં કારોબારમાં પણ સ્થિતિ સારી રહી હતી.છેલ્લા સપ્તાહમાં સેન્સેક્સ અને નિફ્ટમાં ખૂબ સારો દેખાવ રહ્યો હતો. બંને ચાવીરૂપ ઈન્ડેક્સમાં આશરે એક ટકાનો ઉછાળો રહ્યો હતો. મોટાભાગના લોકો માની રહ્યા છે કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ ફરી સત્તામાં આવશે .એપ્રિલ મહિનામાં હજુ સુધી એફપીઆઈ દ્વારા જંગી નાણાં ઠાલવવામાં આવ્યા છે.