અલ્પેશ ઠાકોરનું વિધાનસભાનું સભ્યપદ રદ કરવા માટે કોંગ્રેસ દ્વારા વિધાનસભાના સચિવને અરજી કરવામાં આવી છે. અલ્પેશ ઠાકોર દ્વારા કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેવાયા બાદ કોંગ્રેસના મોવડીમંડળે તેમનું સભ્યપદ રદ કરવાનો નિર્ણય લીધો છે. આ માટે તેમણે વિધાનસભાના અધ્યક્ષને સમક્ષ અરજી કરી છે.
આ અંગે બલદેવજી ઠાકોરે વિગતો આપતા જણાવ્યું કે, “લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોના વિરોધમાં પ્રચાર અને જે કામગીરી કરી છે તેના અનુસંધાને કોંગ્રેસ પાર્ટીના સભ્યપદેથી સસ્પેન્ડ કરવા માટેનો મોવડીમંડળે નિર્ણય લીધો છે. તેની અરજી વિધાનસભા સચિવને આપી છે. હવે, તેના અંગે અંતિમ નિર્ણય વિધાનસભાના અધ્યક્ષ લેશે.”
બલદેવજી ઠાકોરે અલ્પેશ ઠાકોરના સસ્પેન્શન અંગે જણાવ્યું કે, “પાર્ટી દ્વારા વિધાનસભા અધ્યક્ષને અલ્પેશ ઠાકોર દ્વારા લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારો સામે કરવામાં આવેલા પ્રચાર અને પક્ષવિરોધી પ્રવૃત્તિના તમામ પુરાવા સોંપવામાં આવ્યા છે. કોઈ પણ રાજકીય પક્ષ હોય, જ્યારે કોઈ સભ્ય તેમાં ચૂંટાઈને આવે ત્યારે તેણે પક્ષના નિયમો અનુસરવાના હોય છે. પક્ષના નિયમોનો ભંગ કરવાની સ્થિતિમાં પક્ષ દ્વારા તેની સામે શિસ્તભંગના પગલા લેવામાં આવતા હોય છે. કોંગ્રેસ દ્વારા પણ અલ્પેશ સામે આ નિયમોને આધારે જ કાર્યવાહી કરવામાં આવી છે.”
બલદેવજીએ વધુમાં જણાવ્યું કે, “કોંગ્રેસ દ્વારા અલ્પેશ ઠાકોર અંગે પાર્ટીમાં શિસ્તભંગના તમામ પુરાવા રજુ કરી દેવાયા છે. હવે, વિધાનસભાના અધ્યક્ષ નિયમો અનુસાર પુરાવા આધારે ચકાસણી કરશે અને પછી અંતિમ નિર્ણય લેશે.”
તેમણે કહ્યું કે, જો વિધાનસભાના અધ્યક્ષ નિયમાનુસાર કાર્યવાહી નહીં કરે તો કોંગ્રેસ અલ્પેશ ઠાકોર સામે કાર્યવાહી કરવા માટે હાઈકોર્ટમાં પણ જઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે, અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાં તેમનું કોઈ સાંભળતું ન હોવાની વાત આગળ ધરીને પાર્ટીના તમામ સભ્ય પદેથી લોકસભા ચૂંટણી પહેલા રાજીનામું આપી દીધું હતું. આટલું જ નહીં, તેમણે બનાસકાંઠા અને સાબરકાંઠામાં કોંગ્રેસના ઉમેદવારની સામે ઊભા રહેલા ઉમેદવારના સમર્થનમાં રેલી અને પ્રચાર કરવાની સાથે જ પક્ષવિરોધી પ્રવૃત્તિઓમાં પણ ભાગ લીધો હતો. પક્ષવિરોધી પ્રવૃત્તિઓના કારણે કોંગ્રેસ પાર્ટી દ્વારા અલ્પેશ ઠાકોર સામે શિસ્તભંગના નિયમો હેઠળ કાર્યવાહી કરવાનો નિર્ણય લેવાયો છે.