ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સતત ચાર ટર્મ સુધી ફરજ બજાવી ૧૪૯ બેઠકોનો રેકોર્ડ સર્જનાર પૂર્વ મુખ્યમંત્રી અને કેન્દ્રમાં પણ વિદેશ મંત્રી રહી ચૂકેલા માધવસિંહ સોલંકીએ બોરસદ ખાતે આવેલી નૂતન પ્રાથમિક શાળામાં મતદાનની ફરજ અદા કરી હતી.
તેઓએ જણાવ્યું કે, ભાજપના પાંચ વર્ષના શાસનમાં સામાન્ય પ્રજાને કોઇ લાભ થયો નથી. પ્રજાને ખ્યાલ આવી ગયો છે કે કોંગ્રેસ સિવાય ઉદ્ધાર નથી. જેથી આ વખતે બહુમતીથી કોંગ્રેસની સરકાર રચાશે. તેમણે કહ્યું કે, ભાજપ સરકાર માત્ર ઠાલા વચનો આપી પ્રજા સાથે દ્રોહ કરે છે. તેઓ અત્યાર સુધી કોંગ્રેસે કંઇ કર્યુ નથી તેમ કહી દોષનો ટોપલો બીજા પર ઢોળે છે. તેમણે માત્ર વાતો જ કરી છે અને પ્રજાહિતના કોઇ કાર્યો કર્યા નથી. જેથી સ્પષ્ટ થાય છે કે કોંગ્રેસે તેના શાસન દરમિયાન ખૂબ સારા કાર્યો કર્યા છે. જેને પ્રજા યાદ કરે છે. અત્યાર સુધી થયેલો વિકાસ કોંગ્રેસને આભારી છે પરંતુ તેઓ બોલકા બનીને બધુ જ પોતે કર્યું તેમ કહે છે. પરંતુ પ્રજા સાચી વાત સમજે છે. જેથી આ વખતે કોંગ્રેસની સરકાર આવશે. તેમાં કોઇ બેમત નથી.