તુવેર કૌભાંડમાં સામેલ એક પણ વ્યક્તિને સરકાર છોડશે નહિ : રાદડિયા

730

રાજ્યમાં મગફળી કાંડ બાદ તુવેર કાંડ સામે આવ્યો છે. મહત્વનું છે કે ગુજરાત સરકારના પુરવઠા નિગમ દ્વારા વિવિધ પાકની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે. આ પાક પૈકીના તુવેરની ટેકાના ભાવે થઈ રહેલી ખરીદીમાં કેશોદ ખાતેથી હલકી ગુણવત્તાની તુવેર ઘુસાડવામાં આવી હોવાની વાત સામે આવી હતી. ત્યારે આ મામલો સામે આવતા જેતપુર ખાતે આવેલા સરકારના ગોડાઉનમાંથી આ જથ્થો રિજેક્ટ કરવામાં આવ્યો છે.

ટેકાના ભાવે થઈ રહેલી ખરીદીમાં તુવેરમાં ગોટાળો કરાયો હોવાની વિગતો આવતા કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયાએ ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ૩૨૪૧ કટ્ટામાંથી ૧૦૪૨ કટ્ટા હલકી ગુણવત્તાની તુવેરના રિજેક્ટ થયા છે, જ્યારે અન્ય કટ્ટામાં કઈ પણ સમસ્યા નથી.

જામકંડોરણા ખાતે યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારોને રાદડિયાએ જણાવ્યું હતું કે તુવેરની ખરીદીમાં કે તેના ભાવની પ્રક્રિયામાં પારદર્શિતા રાખવામાં આવી છે. કોઈ પણ પ્રકારનું કૌભાંડ થયું નથી પરંતુ જે લોકોએ હલકી ગુણવત્તાની ૩-૪ ગાડી તુવેર ઘૂસાડી છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે અને એક પણ વ્યક્તિને સરકાર છોડશે નહીં.

જયશે રાદડિયાએ કહ્યું, નબળી તુવેરની ખરીદી કરી તેને ઘૂસાડવામાં સંડોવાયેલા એક પણ વ્યક્તિને સરકાર છોડાશે નહીં. હાલમાં ગ્રેડર સહિત ૭ સામે ગુનો દાખલ કરાયો છે અને તપાસમાં જે કોઈ વ્યક્તિના નામ આવશે તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવીશે. અમે આ મામલે વધુ વિગતો મેળવી રહ્યાં છે. ”

ખેડૂતોએ તુવેરની સફાઇની કામગીરી અટકાવી હતી. ત્યારે ગોડાઉન મેનેજરે પોલીસ ફરિયાદ કરવાનું મન બનાવી લીધું હતું.

ત્યારે ગુજરાત કિશાનનાં ચેરમેન પાલાભાઇ આંબલીયા, મનીષભાઇ નંદાણીયા અહીં દોડી આવ્યાં હતાં. જેલમાં જવું પડે તો ભલે જવું પડે એ કહ્યું હતું. બાદ અધિકારીએ પોલીસ ફરિયાદનું ટાળ્યું હતું.

તો બીજી બાજુ કિસાન કોંગ્રેસના પ્રમુખ પાલ આંબલિયાએ પ્રતિક્રિયા આપતા મંત્રી જયેશ રાદડિયાની વાત પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે જયેશ રાદડિયાના ખુલાસા ખોટા હોવાનો આરોપ લગાવ્યો હતો. વધુમાં તેમણે કહ્યું હતું કે, સરકારની મિલિભગતથી કૌભાંડ થયું છે અને આ મામલે તપાસ થશે તો જ હકીકત બહાર આવશે.

તુવેર કાંડ મામલે ડેપ્યુટી સી.એમએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, મારી પાસે હાલ કોઇ માહિતી નથી. મને મીડિયાના માધ્યમથી માહીતી મળી છે. આચાર સહિતાના કારણે હાલમાં કોઇ કાર્યવાહી થતી નથી. જયેશ રાદડિયા દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જેમાં કોઇ પણ વ્યક્તિ સરકારની યોજનાનો ગેર લાભ ઉઠાવશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમજ કોઇપણ વ્યક્તિ દોષિત હશે તો તેને જેલના હવાલે કરવામાં આવશે.

Previous articleઆરટીઈ હેઠળ ઓનલાઈન પ્રવેશના ૪૦ હજાર ફોર્મ ભરાયા, ૬ મેથી પ્રવેશ પ્રક્રિયા શરૂ
Next articleરાજ્યમાં ગરમી, હિટવેવ વચ્ચે આજે લાખો વિદ્યાર્થી ગુજકેટ પરીક્ષા આપશે