ભાવનગરના જાણીતા અને સંસ્કારી પરિવારનાં પુત્રી ડા.નિપા ઠક્કરે ૧૧ વર્ષની વયથી કલાગુરૂ સ્વ.ધરમશીભાઇ શાહ પાસે કલાક્ષેત્રમાં કથ્થક નૃત્યની તાલીમ લેવાનું શરૂ કરી લાંબી સાધના બાદ વિશારદ, શિક્ષા વિશારદ તથા નૃત્ય અલંકારની પ્રતિષ્ઠીત ડીગ્રીઓ ઉચ્ચત્તમ કક્ષાએ પ્રાપ્ત કરીને કલાક્ષેત્રમાં જ શૈક્ષણિક કાર્ય સાથે જોડાયા અને કલાક્ષેત્રના જ એક ભાગરૂપે કલાગુરૂ સ્વ.ધરમશીભાઇ શાહના પટ્ટશિષ્યા તરીકે નેસ્ટમાં વિદ્યાર્થીઓને નૃત્યની તાલીમ આપવાનું શરૂ કર્યું. તાજેતરમાં જ નેસ્ટ સ્કુલ ઓફ કથ્થક ડાન્સની સ્થાપના કર્યા બાદના પ્રથમ વર્ષે જ એપ્રિલના અંતમાં એક સાથે ૧૧ દિકરીઓ વિશારદ પરીક્ષાનાં પરીક્ષાનાં અનુસંધાને રંગમંચ પ્રદર્શન કરવા જઇ રહી છે. ભાવનગર ખાતે પ્રથમવાર આવું બની રહ્યું છે. ડા.નીપાએ ૧૯૯૯માં રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરીને રાષ્ટ્રભરમાં પ્રથમવાર તૃતિય સ્થાન મેળવી ગુજરાતનું ગૌરવ વધાર્યું હતું. ૨૦૧૦માં સૌથી નાની વયે ગુજરાત ગૌરવ પુરસ્કારથી પુરસ્કૃત થઇને કલાક્ષેત્ર તથા ભાવનગરનું ગૌરવ વધાર્યું હતું. તેઓએ દેશમાં અનેક જગ્યાએ તથા વિદેશમાં પણ કાર્યક્રમો રજુ કર્યા છે. તેમજ વિવિધ જગ્યાએ નિર્ણાયક તરીકે જવાબદારી નિભાવી છે. તેઓને અનેક સંસ્થાઓ દ્વારા સન્માનિત કરાયા છે.