ભાવનગરના કુંભારવાડા, નારી રોડ પર આવેલ મહાપાલિકાના સિવેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં આવેલ ર૦ ફુટ ઉંડા પાણીના ટાકામાં ડુબી જવાથી ત્રણ કામદારના મોત નિપજયા હતાં.
ભાવનગર કુંભારવાડા, નારી રોડ પર આવેલ મહાપાલિકાના સિવેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના ટાંકામાં મુળ ઉત્તરપ્રદેશના વતની ત્રણ કામદારો વાલ્વ બંધ કરવા માટે ઉતર્યા હતાં, પરંતુ ગેસ ગળતર જેવી સ્થિતિમાં ત્રણેય કામદારોને શ્વાસ લેવામાં તકલીફ થતાં પાણીમાં ગરક થઈ ગયા હતાં. આ બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડ ટીમ બનાવ સ્થળે દોડી ગઈ હતી અને દરોડા અને હુંકની મદદથી ત્રણેય કામદારોના મૃતદેહને બહાર કાઢ્યા હતાં.
મૃતક યુવાનો મુળ ઉત્તર પ્રદેશના વતની હોવાનું અને તેમના નામ રામસાગરભાઈ, હોંસલ પ્રસાદ પાસવાન, ધર્મપાલભાઈ રામકૃપાલ પાસવાન તથા રાજયપાલ મુલર પાસવાન હોવાનું ફાયર બ્રિગેડે જણાવ્યું હતું. આ કામનો કોન્ટ્રાકટ ખાનગી કંપનીને અપાયો હોય કંપનીના કર્મચારીઓના ગુંગળામણથી મોત થતા ચકચાર મચી જવા પામી છે. આ બનાવ બનતા અન્ય કર્મચારીઓ તેઓને બચાવવા પણ ગયા હતાં. જયારે બનાવની જાણ થતાં મેયર મનભા મોરી, વિપક્ષ નેતા જયદિપસિંહ ગોહિલ તેમજ ડ્રેનેજ વિભાગના અધિકારીઓ સહિત ઘટના સ્થળે દોડી ગયા હતાં. મૃતક ત્રણેય કર્મચારીઓની લાશને પી.એમ. અર્થે હોસ્પિટલ ખસેડાઈ હતી.