મીઠીવિરડીના દરિયા કિનારા નજીક બે બોટમાં આવેલા શખ્સો ડ્રેજર પર ચડી સવા લાખના માલ-સામાનની ચોરી થયાની અલંગ મરીન પોલીસમાં દોઢ માસ પહેલા ફરિયાદ નોંધાઈ હતી. જે ગુન્હામાં પોલીસે ચાર શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી હતી.
દોઢેક માસ પહેલા ધરતી ડ્રેજીંગ એન્ડ ઈન્ફો કંપનીએ તેમના ડ્રેજરને ટગથી ખેચી કાકીનાળથી ઘોઘા ખાતે લઈ જતા હતા ત્યારે મીઠી વિરડીના દરિયા કિનારાની નજીક દરિયામાં બે બોટમાં આવેલા અજાણ્યા ઈસમોએ ડ્રેજર પર ચડી જઈ ચોરી કરેલ. જે બાબતે પ્રમોદકુમાર મહેશ્વર શેટ્ટી જા. રાજપૂતે અલંગ મરીન પોલીસ સ્ટેશનમાં રૂપિયા ૧,રપ,૦૦૦ની ચોરી અંગે ફરિયાદ દાખલ કરાવેલ.
આ ગુન્હાને ડિટેક્ટ કરવા માટે ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક પી.એલ. માલની સુચના તથા મહુવા ડીવીઝનના એએસપી બી.યુ. જાડેજાના માર્ગદર્શનમાં અલંગ મરીન પોલીસ સ્ટેશનના પોસઈ સી.જી. જોશી તથા પો.કો. અરવિંદભાઈ બારૈયા, પો.કો.ચેતનભાઈ મેર, દિનેશભાઈ માયડા, પૃથ્વીરાજસિંહ ગોહિલ, નારણભાઈ ખારશીયા, ઈન્દ્રજીતસિંહ ગોહિલ તથા અન્ય સ્ટાફ આ ચોરીના અનડિટેક્ટ ગુનાના આરોપી તેમજ મુદ્દામાલની તપાસમાં હતા તે દરમ્યાન અરવિંદભાઈ બારૈયા તથા ઈન્દ્રજીતસિંહ ગોહિલને ખાનગી બાતમી આધારે સરતાનપર ગામના વજુભાઈ બાબુભાઈ બારૈયા, અશોકભાઈ ધીરાભાઈ બારૈયા, રમતુભાઈ બટુકભાઈ બારૈયા તથા લાલજીભાઈ બટુકભાઈ ચુડાસમાને ચોરી કરેલ રૂા.૧,રપ,૦૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી હતી.