આરટીઓ કચેરી ભાવનગર અને ૧૦૮ ટીમ વાન દ્વારા સિધ્ધ વિદ્યાપીઠ સ્કુલમાં સૌપ્રથમ વખત માર્ગ સલામતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
શાળાના બાળકોમાં ટ્રાફિકના નિયમોની જાણકારી મળે તેવા હેતુથી આરટીઓ કચેરી ભાવનગર અને ૧૦૮ ટીમ-વાન દ્વારા સિધ્ધ વિદ્યાપીઠના સહયોગથી માર્ગ સલામતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માર્ગ સલામતીને લગતી વિવિધ પ્રવૃત્તિઓ બાળકોને કરાવવામાં આવી હતી. આ ઉપરાંત ચિત્ર, નિબંધ, સ્પર્ધા તેમજ ટ્રાફિકને લગતા નાટકો અને માર્ગ સલામતીને લગતા પ્રોજેક્ટ બનાવવામાં આવ્યા હતા તેમજ ૧૦૮ ટીમની કામગીરીની બાળકોને જાણકારી આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમમાં આરટીઓ ઈન્સ્પેક્ટર અંકિત પટેલ, સિનીયર ક્લાર્ક મધુભાઈ રાઠોડ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.
માર્ગ સલામતી મેળા નિમિત્તે યોજાયેલ વિવિધ સ્પર્ધાના ૧ થી ૩ નંબરના વિજેતાઓને ઉપસ્થિત આગેવાનોના હસ્તે ઈનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા ટીમ વાનના મહેશભાઈ સિંગલ, પિયુષભાઈ રાઠોડ સહિતે જહેમત ઉઠાવી હતી.