સુખી થવું છે?

795

રાતનો સમય હતો. નાના બાળકો લેમ્પના અજવાળે રમી રહ્યા હતા. એ સમયમાં એક બાળકની નજર વૃદ્ધ ડોશીમા ઉપર પડે છે. ડોશીમા લેમ્પના અજવાળે કંઈક શોધતા હતા. મદદની ભાવનાથી તેમની પાસે આ બાળક જાય છે. કુતૂહુલતાપૂર્વક બાળકે ડોશીમાને પૂછ્યું, ‘અહીંયા શું શોધો છો?’ ધ્રૂજતા શરીરે ડોશીમાએ બાળકને કહ્યું, ‘મારી કીંમતિ વીંટી ખોવાઈ ગઈ છે.’ આ બાળક પણ વીંટી શોધવામાં તેમને મદદ કરે છે. બાળકને મદદ કરતા જોઈ બીજા બાળકો પણ વીંટી શોધવામાં મદદ કરવા લાગ્યા. ઘણા પ્રયત્નો બાદ પણ વીંટી મળતી નથી. અંતે બાળક ડોશીમાને પૂછ્યું, ‘તમારી વીંટી કઈ જગ્યાએ ખોવાઈ હતી?’ ડોશીમાએ જવાબ આપતાં કહ્યું, ‘મારી વીંટી તો મારી ઝૂંપડીની બહાર ખોવાઈ ગઈ હતી. આ સાંભળતાં જ બાળકો હસવા લાગ્યા. એક બાળકે ડોશીમાને પૂછ્યું, ‘તો પછી અહીંયા કેમ શોધો છો?’ ડોશીમાએ ઠંડે કલેજે જવાબ આપ્યો, ‘ઝૂંપડી બહાર અંધારું હતું તેથી હું અહીંયા અજવાળું જોઈને વીંટી શોધું છું.’

ખરેખર, આજે માનવમાત્રની પરિસ્થિતિ પણ આ ડોશીમા જેવી જ છે. સુખ અને શાંતિ મેળવવા પાછળ આપણે આખી જિંદગી અનેક પ્રયત્નો કરીએ છીએ પણ અંતે સુખની પ્રાપ્તિ થતિ નથી. કારણ કે આપણી દિશા ખોટી છે. આપણી શોધ ખોટી છે. શોધનું સ્થાન ખોટું છે. શોધની પદ્ધતિ પણ ખોટી છે.

આજનો માનવી સુખ-સગવડ, મોજશોખ, સારાં સારાં ભોજન કે વ્યસનો જેવા સાધનોમાં સુખ માને છે પરંતુ તે સુખ ક્ષણિક છે. આ દુનિયાનાં મોંઘા પદાર્થો કે  વ્યસનો માણસને ક્યારેય શાશ્વત સુખ આપી શકવાના નથી. કારણ કે તે પદાર્થો જ નાશંવત છે. ઘણાં એમ માને છે કે ધન મેળવ્યું તો સુખી થઈ જઈશું. પણ જો ધનમાંથી જ સુખ મળતું હોત તો સમ્રાટ સિંકદર પાસે તો આખી પૃથ્વીનું જમીનધન હતું છતાં અંત સમયે તે રડતાં રડતાં દેહ મૂકે છે તેનું કારણ શું? અર્થાત્‌ ધનમાં પણ સુખ રહ્યું નથી અને જે સુખ મનાય છે તે તો દુઃખથી આવૃત્ત ક્ષણિક સુખ છે. ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે, ‘ઝેરના લાડવા ખાવા સારા લાગે પણ પાછળથી ગળું ઝલાય.’ તેવી જ રીતે આ માયિક સુખ ભોગવવું સારું લાગે પરંતુ તે માયિક સુખ જ અપાર દુઃખનું કારણ બને છે. જેમ ઈયળ શેરડીમાં કાણું પાડીને મીઠા રસની મજા માણે છે, પરંતુ ચીચોડામાં રસ નીકળશે ત્યારે તેનું અસ્તિત્વ નાબુદ થઈ જશે. તેની માનવને જાણ નથી.

વળી, આ માયિક પદાર્થના ભોગથી માણસને ક્યારેય તૃપ્તિ થઈ નથી અને થશે પણ નહીં, કારણ કે જેમ પાતાળ સુધી પૃથ્વી ફાટી હોય તેને પાણીએ કરીને ભરવી શક્ય નથી તેમ અનંત જન્મથી સળગેલી વિષય-વાસનાની અગ્નિ માયિક પદાર્થોના ભોગથી શાંત થતી નથી.

તો પછી શાશ્વત સુખ છે ક્યાં? આ પ્રશ્નનો ઉત્તર આપતાં ભગવાન સ્વામિનારાયણ સારંગપુર પ્રકરણના પ્રથમ વચનામૃતમાં કહે છે કે, “ભગવાનનાં એક રોમમાં જેટલું સુખ રહ્યું છે તેટલું સુખ જો અનંત કોટિ બ્રહ્માંડના વિષયસુખ ભેળા કરીએ તો પણ  તેના કોટિમા ભાગની બરોબર પણ થાય નહીં.” આમ શ્રીહરિએ આપણને શાશ્વત સુખનું સરનામું આપી દીધું. સંસાર વ્યવહારમાં અથડાતો માનવી જ્યારે આ સાચા સરનામાં તરફ વળે છે ત્યારે જ એનાં દુઃખોનો અંત આવે છે. નરસિંહ મહેતા, મીરાબાઈ, તુકારામ વગેરે સંતો-ભક્તો પાસે માત્ર ભગવાનરૂપી ધન હતું તો ગરીબીમાં-અભાવમાં પણ સુખી હતા.

તો ચાલો આપણે પણ માયિક સુખનો ત્યાગ કરીને અનંત અપાર એવું પરમાત્માનું સુખ મેળવવા તત્પર બનીએ.(ક્રમશઃ)

Previous articleભાવનગરમાં હત્યાની હેટ્રીક
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે