ચાર વર્ષ પૂર્વે ભાવનગર જિલ્લાના પાલીતાણા નજીકના શેત્રુંજી ડેમમાં બે યુવાનોને પાણીમાં ડુબાડીને તેની હત્યા નીપજાવવાના ગુન્હામાં સંડોવાયેલા ત્રણ આરોપી સામેનો હત્યા અંગેનો કેસ આજરોજ ભાવનગરના ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ સુભદ્રાબેન બક્ષીની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકિલ વિપુલ દેવમુરારીની દલીલો, આધાર પુરાવા, સાક્ષીઓ વિગેરે ધ્યાને લઇ ત્રણેય આરોપીઓ સામે બેવડી હત્યાનો ગુન્હો સાબિત માની આજીવન કેદની સજા અને રૂા. પાંચ હજારનો રોકડ દંડ અદાલતે ફટકાર્યો હતો.
આ કેસની પ્રાપ્ત વિગતો મુજબ પાલીતાણામાં રહેતા કુલદિપસિંહ બહાદુરસિંહ કોટીલા (કાઠી) (ઉ.વ.૨૧) ને પાલીતાણા ગામમાં જ રહેતા જયવંતસિંહ ઉર્ફે જયુભાઇ મનુભાઇ રાઠોડ જાતે રાજપુત (ઉ.વ.૩૩ પૂર્વ પ્રમુખ શિવસેના, પાલીતાણા), રાઠોડ રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજુભાઇ જાતે રાજપુત (ઉ.વ.૩૨), રાઠોડ કનૈયાભાઇ નારસીંગભાઇ રાજપુત (ઉ.વ.૨૦) નામના શખ્સો સાતે અગાઉ પાલીતાણા શિવસેનાના પ્રમુખ પદને લઇ લડાઇ ઝઘડો થયેલો તેની દાઝ રાખી ગત તા.૧૪-૦૫-૧૯ ના રોજ કુલદિપસિંહ બહાદુરસિંહ કોટીલા તથા તેમના મામાના દિકરા પ્રદિપભાઇ રાજુભાઇ વાળા (ઉ.વ.૧૯) રહે બરવાળાની સાથે ઝઘડો થયો હતો. ત્યારબાદ બંને પક્ષે સમાધાન પણ થઇ ગયું હતું. ત્યારપછી આ લડાઇ ઝઘડાની દાઝ રાખી ઉક્ત આરોપીઓએ કુલદિપને મારી નાખવાનું કાવતરૂં રચી ત્રણેય આરોપીઓએ મોટરકારમાં બંને યુવાનોને બેસાડી પાલીતાણા શેત્રુંજી ડેમ લઇ જઇ ડેમના પાણીમાં ન્હાવા માટે તમામ ગયા હતા. આ ગુન્હાના આરોપીઓએ એક સંપ કરી કોટીલા કુલદીપ બહાદુરભાઇ તથા પ્રદિપ રાજુભાઇ વાળાને લાકડીના બડીયા વડે મારમારી ઇજા પહોંચાડી ઉંડા પાણીમાં ડુબાડી દઇ નાસી છુટ્યા હતા. અને બંનેની ઉક્ત આરોપીઓએ હત્યા કરી હતી.
આ બનાવ અંગે મરણ જનારના ભાઇ મહિપતસિંહ ઉર્ફે ભયલુ બહાદુરભાઇ કોટીલા જે તે સમયે પાલીતાણા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ રાઠોડ જયવંતસિંહ ઉર્ફે જયુભાઇ મનુભાઇ રાઠોડ, રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજુભાઇ લક્ષ્મણભાઇ રાઠોડ, કનૈયાભાઇ નારસંગભાઇની સામે ઇપીકો કલમ ૩૦૨, ૧૨૦(બી), ૩૪ મુજબનો ગુન્હો નોંધ્યો હતો. આ અંગેનો કેસ આજરોજ ભાવનગરના ડીસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજ સુભદ્રાબેન બક્ષીની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકીલ વિપુલભાઇ દેવમુરારીની દલીલો, મૌખિક પુરાવા ૩૬, દસ્તાવેજી પુરાવા ૮૩, વિગેરે ધ્યાને લઇ આરોપીઓનો ગુન્હો સાબિત માની ત્રણેય આરોપીઓને આજીવન કેદની સજા અને રૂા.૫ હજારનો દંડ ફટકાર્યો હતો.