લગ્ન પ્રસંગ પતાવીને રાત્રે ગાંધીનગરથી ઘરે જઈ રહેલાં નરોડાના પરિવાર ચ-૬ પાસે અકસ્માત નડ્યો હતો. ફોર્સ ફોરવીલ ગાડીના ચાલકે કારને ટક્કર માર્યા બાદ કાબૂ ગુમાવતા ફોર્સ ગાડી પલ્ટી ગઈ હતી. અકસ્માતમાં પરિવારનો આબાદ બચાવ થયો હતો જોકે, નાની મોટી ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે સિવિલ ખસેડાયા હતા.
મૂળ સાબરકાંઠાના અને હાલ નરોડા સત્વ-૩માં રહેતાં દિગ્વીજયસિંહ પ્રવિણસિંહ પરમાર (૩૮ વર્ષ) રેલવે પ્રોટેક્શન ફોર્સમાં હેડ કોન્સ્ટેબલ છે. ગુરુવારે તેઓ પોતાના સંબંધીની સ્વીફ્ટ કાર લઈને ગાંધીનગરના ઉનાવા ખાતે લગ્ન પ્રસંગે આવ્યા હતા. રાત્રે પરત ફરતી વખતે સાડા દશ વાગ્યાના સુમારે ઘ-૬ સર્કલે ફોર્સ ગાડીના ચાલકે કાર સામેથી ટક્કર મારી હતી.
અકસ્માત બાદ ય્ત્ન-૦૧-હ્લ્-૬૧૪૮ નંબરની ફોર્સ ગાડી પલ્ટી ગઈ હતી. અકસ્માત સમયે દિગ્વીજયસિંહ સાથે ગાડીમાં તેમના પત્ની, ૧૧ વર્ષનો પુત્ર અન ૪ વર્ષની બે દીકરીઓ મળી કુલ પાંચ લોકો હતા. જેમને નાની-મોટી ઈજાઓ થતા ગાંધીનગર સિવિલમાં સારવાર માટે ખસેડાયા હતા. અકસ્માતને પગલે ફોર્સ ગાડીના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગાડીના નંબરના આધારે ચાલક સુધી પહોંચવા માટે તપાસ શરૂ કરી છે.
મળેલી વિગતો પ્રમાણે દિગ્વીજયસિંહે જ્યારે સામેથી બેફામ ગતિએ આવતો ટેમ્પો જોયો એટલે તેમને કાર ઉભી રાખી દીધી હતી. તેમ છતાં ટેમ્પો કારને અડફેટે લઈ પલ્ટી ગયો હતો. ફરિયાદીએ કાર ઉભી ના રાખી હોત તો બંને તરફના પ્રેસરથી અકસ્માત ગંભીર બની ગયો હોત. બીજી તરફ ધડાકાભેર ટેમ્પો અથડાતા કારની આગળ રહેલી બંને એરબેગ ખુલી જતા કારમાં આગળ બેઠેલા લોકોને વધુ વાગ્યું ન હતું.તેથી તેમનો આબાદ બચાવ થયો હતો.