હાલ સોશિયલ મીડિયાના યુગમાં લોકો ફેસબુકનો મોટાપાયે ઉપયોગ કરતા હોય છે પરંતુ આ ફેસબુક એકાઉન્ટ હેક થાય તો.. એવો જ એક કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે. જેમાં શહેરના મધુરમ સોસાયટીમાં રહેતા યુવાનનું ફેસબુક એકાઉન્ટ હેક કરી રૂપિયા ૨૨૫૦ની ખંડણી માંગવામાં આવી છે. જેને લઈને ભોગ બનનાર યુવાને સાઇબર સેલમાં જાણ કરી હતી. હાલ સાયબર સેલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે જાણવા મળતી વિગત મુજબ શહેરની મધુરમ સોસાયટીમાં રહેતા મનોજ પ્રતાપસિંહ ગોહેલનું મનોજ રાજપૂત નામથી ફેસબુકમાં એકાઉન્ટ હતું. ગત ૯ જાન્યુઆરીએ અચાનક મનોજનું એકાઉન્ટ હેક થઈ ગયું હતું અને મનોજના એકાઉન્ટમાંથી તેના ફ્રેન્ડ લિસ્ટમાં રહેલા મિત્રોને ગાળોના મેસેજ આવવા લાગતા એકાઉન્ટ હેક થયું હોવાની જાણ મનોજને થઈ હતી. હેકર દ્વારા મનોજનો ફોટો અપલોડ કરીને ગાળો લખવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતાં મનોજે તેના મિત્રો દ્વારા બીજા એકાઉન્ટમાંથી પોતાના હેક થયેલા એકાઉન્ટમાં મેસેજ કર્યો કે, મારૂ એકાઉન્ટ હેક શા માટે કર્યું છે. જેના જવાબમાં હેકરે રૂપિયા ૨૨૫૦ની માંગણી કરી અને જો પૈસા ૧૩ જાન્યુઆરી પહેલા નહીં મળે તો તને તારા જ એકાઉન્ટ મારફતે બદનામ કરી નાખીશ તેવી ધમકી પણ આપી હતી. મનોજે આ અંગે સાયબર સેલમાં જાણ કરતા સાયબર સેલ દ્વારા આ હેકરને શોધી કાઢવા તપાસ હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે હાલ સોશય્લ મીડિયાનો બહોળો ઉપયોગ થઈ રહ્યો છે. સોશ્યલ મીડિયા વગરનું જીવન હાલ ઘણા લોકો વિચારી પણ શકે નહીં તેવી સ્થિતિ આવીને ઊભી રહી છે. ટેક્નોલોજી સાથે સાથે તેના દુશ્મનો પણ એટલા જ આગળ વધતા હોય છે. હેકર્સ દ્વારા લોકોના એકાઉન્ટ હેક કરવાનો આ એક માત્ર કિસ્સો નથી. આવા ઘણા કિસ્સાઓ બની ચુક્યા છે. જોકે લોકો ઘણી વાર તે વાતને લઈ જાહેરમાં આવતા નથી અને ફરિયાદ કરતા નથી પરંતુ મનોજે ફરિયાદ કરી છે. પોલીસ હાલ મનોજની ફરિયાદ પર વધુ તપાસની તજવીજ હાથ ધરી રહી છે.