શુક્રવારે પાટનગરમાં મોસમનો સૌથી હોટ દિવસ નોંધાયો હતો. હવામાન તંત્રે નોંધેલુ સરેરાશ તાપમાન ૪૩.૫ ડિગ્રી આવ્યું હતું. પરંતુ દિવ્ય ભાસ્કર ટીમ દ્વારા કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે કરેલા રિયાલિટી ચેકમાં ૧૪ સ્થળે જુદુ જુદુ તાપમાન મળ્યું હતુ. પાટનગરની વૈજ્ઞાનિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલી ભારત સરકાર દ્વારા માન્ય બિન સરકારી સંસ્થા નિસર્ગ સાયન્સ સેન્ટર પાસેથી ગરમી માપવા માટેના થર્મોમીટર મેળવવામાં આવ્યા હતા.
જ્યારે ગરમી પીક પર આવતી હોય છે, તેવા સમયે બપોરે ૩થી ૪ વાગ્યાના એક કલાક દરમિયાન જ્યાં લોકોની અવર જવર સૌથી વધુ રહેતી હોય છે, તેવી સરકારી કચેરીઓ અને જાહેર સ્થળો પર પહોંચીને તાપમાન માપવામાં આવ્યુ હતુ. તેમાં દર્દીઓથી ઉભરાતી રહેતી સેક્ટર ૧૨માં આવેલી સિવિલ હોસ્પિટલ પાસે ૪૬. ૫ ડિગ્રી તાપમાન થર્મોમીટરમાં મપાયુ હતુ. જ્યારે સૌથી ઓછી ગરમી વૃક્ષાછાદિત એવાં સેક્ટર ૨૮માં આવેલા બાલોદ્યાનમાં ૪૦.૩ ડિગ્રી જોવા મળ્યું હતું.