તુવેર કાંડ : વાડીમાંથી ૭૪૦ કટ્ટા ઝડપાતા ઉંડી તપાસ

880

રાજ્યભરમાં મગફળીકાંડ બાદ સામે આવેલા તુવેર કોભાંડમાં દિવસેને દિવસે વિવાદ વધતો જાય છે. જૂનાગઢના કેશોદ માર્કેટિંગ યાર્ડમાં તુવેર કૌભાંડને લઇને ખેડૂત હિતરક્ષક સમિતિ ઉપવાસ આંદોલન પર ઉતરવાની વાત સામે આવી રહી છે, ત્યારે બીજીબાજુ, આજે તુવેર કૌભાંડના આરોપી ભરત વઘાસીયાની વાડી ખાતેથી આજે ૭૪૦ જેટલા તુવેરના જથ્થાના કટ્ટા મળી આવતાં સમગ્ર પંથકમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. આટલો મોટો તુવેરનો જથ્થો જોઇ ખુદ પોલીસ અને ખેડૂતો પણ ચોંકી ઉઠયા હતા. તો, આજે કોંગ્રેસના વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડીયા પણ તુવેર કૌભાંડમાં ન્યાયિક તપાસની માંગ સાથે જૂનાગઢ કલેકટર કચેરી ખાતે ધરણાં પર ઉતરતાં સમગ્ર મામલો ગરમાયો હતો.         મગફળીકાંડ બાદ તુવેર કૌભાંડમાં હવે  ખેડૂત હિતરક્ષક સમિતિ તુવેરના જથ્થાને સીલ કરવાની માંગણી સાથે ઉપવાસ અંદોલન પર ઉતરવા જઇ રહી છે. તુવેરકાંડમાં જે બારદાનનો જથ્થો ખુલ્લામાં છે તેને પણ સીલ કરવાની માંગણી કરાઇ છે. આ સિવાય વિવાદિત જગ્યાએ પડેલા તમામ તુવેરનો માલ ગોડાઉનમાં સીલ કરવાની માંગ કરવામાં આવી છે.

દરમ્યાન આજે કેટલાક જાગૃત ખેડૂતોની ચોક્કસ બાતમીના આધારે તુવેર કૌભાંડના આરોપી ભરત વઘાસીયાની વાડીમાંથી ૭૪૦ કટ્ટા જેટલો તુવેરનો મોટો જથ્થો ઝડપાતાં જબરદસ્ત ખળભળાટ મચી ગયો હતો. ખેડૂત હિતરક્ષક સમિતિએ ગંભીર આરોપ લગાવ્યો હતો કે, આ જથ્થો તુવેર કૌભાંડનો છે, કટ્ટા પર લગાવાયેલા ટેગ પણ કેશોદના જ હોવાનું જણાયું હતું. ઘટનાની જાણ થતાં સ્થાનિક ડીવાએસપી ગઢવી સહિતના પોલીસ અધિકારીઓ ત્યાં દોડી આવ્યા હતા અને પંચનામું સહિતની તપાસ કાર્યવાહી હાથ ધરી હતી. કેશોદના તુવેરકાંડમાં ૨૯.૬૪ લાખની નબળી તુવેર ભેળવી દેવાના કૌભાંડમાં પુરવઠા મામલતદાર દ્વારા સાત આરોપીઓ સામે ફરિયાદ નોધાવ્યા બાદ પુરવઠા નિગમના એમ.ડી.મનીષ ભારદ્વાજ અન જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધી કેશોદ દોડી આવ્યા હતા. તુવેરકાંડ મામલે રાજ્યના અન્ન અને પુરવઠા મંત્રી જયેશ રાદડીયાએ તુરંત તપાસના આદેશ આપતા કેશોદ ખાતે સ્થળ મુલાકાત લઈને બને અધિકારીઓએ માર્કેટયાર્ડમાં તપાસ કરી કર્મચારીઓ પાસેથી ઝીણામાં ઝીણી વિગતો મેળવી હતી.

અંતે તુવેર ખરીદીના ઇન્ચાર્જ જે.બી.દેશાઈ, ગોડાઉન મેનેજર ડી.વી.નિરંજન અને કેલેક્ષ કંપનીના ગ્રેડર ફૈઝલ મુગલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. જેતપુર વેર હાઉસમાંથી પરત આવેલી કુલ ૩૨૪૧ ગુણી તુવેરને જ્યાં સીઝ કરવામાં આવી છે, ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાંથી ૧૦૪૫ કટ્ટામાં હલકી તુવેરની સાથે મોટા ભાગના ઠુઠા જોવા મળ્યા હતા. રાજ્યમાં હાલ ૪૦ સ્થળોએ ટેકાના ભાવે તુવેરની ખરીદી ચાલી રહી છે. ત્યારે આ મામલો પ્રકાશમાં આવતા ભારે ચકચાર મચી ગઇ છે.

Previous articleકેસર કેરીની આગામી સપ્તાહથી માર્કેટમાં એન્ટ્રી
Next article૧૭ વર્ષનો રેકોર્ડ તૂટ્યો,મોડાસામાં ૪૮ ડિગ્રી