તાલાહી ગીરની અમૃત ફળ ગણાતી કેસર કેરીની સિઝનનો તલાલા માર્કેટિંગ યાર્ડમાં તા.પમી મે રવિવારથી શુભારંભ થશે. આ વર્ષે તાલાલા યાર્ડમાં તા.૩મેથી સિઝનનો શુભારંભ થયો હોઈ આ વર્ષે અમદાવાદીઓને બે દિવસ મોડી કેરી ખાવા મળશે. કેરીના રસિયાઓને હવે મન ભરીને કેરીનો સ્વાદ માણવા મળશે. દેશ અને દુનિયામાં કેરી રસિકોની પહેલી પસંદ બનેલી કેસર કેરીની આખરે શાનદાર એન્ટ્રી બજારમાં આગામી સપ્તાહથી શરૂ થઇ જશે. ગત વર્ષે ૧૦ કિલો કેરીના ૩૦૦થી ૬૦૦ રૂપિયાની બોલી બોલાઇ હતી. આ વર્ષે તે વધીને ૪૦૦થી ૭૦૦ થવાની શક્યતા છે. ગત વર્ષે પ્રથમ દિવસે જ ૧૧૪૨૫ જેટલાં કેરીનાં બોક્સની હરાજી થઇ હતી. કેસર કેરીના ભાવોને લઇ ખેડૂતોમાં કહીં ખુશી કહીં ગમ જેવો માહોલ છે. ગત વર્ષની તુલનાએ કેસરનો ભાવ આ વર્ષે દોઢો છે. એટલે કે ૧૦૦થી ૨૦૦ રૂપિયા ૧૦ કિલોએ વધારે આંકવામાં આવી રહ્યા છે. જેની પાછળનું કારણ કેરીના જથ્થામાં આ વર્ષ ભારે ઘટાડો આવ્યો છે. આ વર્ષે પણ ૧૦૦૦ મેટ્રિક ટન કેસર કેરી અમેરિકા, દુબઇ અને યુરોપિયન કન્ટ્રીમાં નિકાસ થવાનો અંદાજ છે . વેપારીઓના કહેવા મુજબ આ વર્ષે કેસરનું ઉત્પાદન ખૂબ ઓછું છે.
ગત વર્ષની તુલનાએ ૩૦ ટકા કેસરનું ઉત્પાદન ઓછું છે.
જેના કારણે આ વર્ષ કેસરનો સ્વાદ ચાખવા વધારે કિંમત ચૂકવવી પડશે.તાલાલા માર્કેટ યાર્ડમાં ગત વર્ષે કેસર કેરીની સિઝન ૪૨ દિવસ ચાલી હતી. આ દરમિયાન યાર્ડમાં દસ કિલોના આઠ લાખ ૩૦ હજાર ત્રણસો ચાલીસ બોક્સ વેચાણમાં આવ્યાં હતાં. એક બોક્સના સરેરાશ રૂ. ૩૧૦ પ્રમાણે ખેડૂતોને લાખો રૂપિયા મળ્યા હતા. આ વર્ષે કેસર કેરીના શરૂઆતના પાકને અવિરત ઠંડી પડતા, વારંવાર વાતાવરણમાં બદલાવ આવવાના કારણે અનુકૂળ વાતાવરણના અભાવે, કેસર કેરીના શરૂઆતના બંધારણને ભારે નુકસાન થયું હોઈને પાછોતરો પાક ખેડૂતોની અપેક્ષા પ્રમાણે ઓછો થયો છે. તાલાલામાં આ વર્ષે કેસર કેરીનો પાક કેટલો થશે અને સિઝન કેટલી ચાલશે તે આગામી દિવસમાં જાણવા મળશે કેરીનો ભાવ પણ આ વર્ષે વધુ આવશે.