૧૭ વર્ષનો રેકોર્ડ તૂટ્યો,મોડાસામાં ૪૮ ડિગ્રી

672

અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં કાળઝાળ ગરમીનો કેર યથાવત છે. શનિવારે રાજ્યમાં ગરમીનો ૧૭ વર્ષનો રેકોર્ડ તૂટી ગયો. ગુજરાતના મોડાસામાં સૌથી વધુ ૪૮ ડિગ્રી તાપમાન નોંધાયું છે. વાવમાં પણ ગરમીનો પારો ૪૭ ડિગ્રીને આંબી ગયો છે. જ્યારે અમદાવાદ-૪૫ અને સુરેન્દ્રનગરમાં તાપમાન ૪૬ ડિગ્રીને પાર થઈ ગયું છે. તો બીજા ૫ શહેરોમાં તાપમાન ૪૨-૪૩ ડિગ્રી વચ્ચે હોવાથી ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગે આગામી ૪૮ કલાક ગુજરાતમાં હીટવેવની આગાહી કરી છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, ભાવનગર, વેરાવળ, પોરબંદર, રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર, કચ્છ અને દીવનો સમાવેશ થાય છે.

ગરમીનો પારો ૪૩-૪૪ ડિગ્રી સુધી પહોંચી જતાં પેટમાં દુખાવા તેમજ ડિહાઈડ્રેશનના કેસોમાં વધારો નોંધાયો છે. ગરમીના કારણે ઇમરજન્સી સેવા ૧૦૮માં આવતા કોલની સંખ્યામાં ૨૦ ટકા જેટલો વધારો થયો છે. અમદાવાદમાં આગામી ચાર દિવસ ગરમીનો પારો ૪૪થી ૪૫ ડિગ્રી રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. અને લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળળા માટે અપીલ કરી છે. રાજ્યમાં આગ ઝરતી ગરમીના કારણે લોકો મુશ્કેલીમાં મૂકાયા હતા. રસ્તાઓ સૂમસામ બન્યા. ક્યાંક લોકો શેરડીનો રસ તો ક્યાંક લોકો ઠંડા પીણા પીતા નજરે પડ્યા હતા.

ગરમી વધતા અ.મ્યુ.કો.એ એક્શન પ્લાન તૈયાર કર્યો. શહેરના તમામ અર્બન સેન્ટર પર ઓઆરએસની વ્યવસ્થા કરવામાં આવી છે. બગીચાઓ રાત્રે ૧૧ વાગ્યા સુધી ખુલ્લા રખાશે અને પીવાના પાણીની વ્યવસ્થા કરાશે. તમામ આંગણવાડીમાં ઓઆરએસ પેકેટ પહોંચાડવામાં આવશે. એસ્ટેટ વિભાગ દ્વારા કન્સ્ટ્રક્શન સાઈટો પર પીવાના પાણીની વ્યવસ્થા ઉભી કરાશે. હિટસ્ટ્રોકના દર્દીઓને તાત્કાલિક સારવાર મળે તે માટે આઈસ પેકની વ્યવસ્થા કરવામાં આવી. એએમટીએસનાં તમામ બસ ડેપોમાં પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી. શહેરના તમામ બીઆરટીએસના બસ સ્ટેન્ડ પર ઓઆરએસ પેકેટનું વિતરણ કરવામાં આવશે. શહેરમાં છ મોબાઈલ પાણીની પરબ પણ ચાલુ કરવામાં આવી છે.

શહેરીજનોને કાળઝાળ ગરમીથી બચવા વધુ પ્રમાણમાં પાણી, છાશ અને પ્રવાહીનું સેવન કરવું. હળવા રંગના સુતરાવ કપડા પહેરવા અને તડકામાં ફરવાનું ટાળવું. નાના બાળકો, વૃદ્ધોએ અને ગર્ભવતી સ્ત્રીઓ ઘરેથી નીકળવાનું ટાળવું.

Previous articleતુવેર કાંડ : વાડીમાંથી ૭૪૦ કટ્ટા ઝડપાતા ઉંડી તપાસ
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે