ઘોઘાનાં ખાટડી ગામે દિપડો કુવામાં ખાબક્યો

1147

ઘોઘા તાલુકાનાં ખાટડી ગામે આવેલી એક વાડીમાં શિકાર માટે આવેલો દિપડો અંધારામાં ગત મોડી રાત્રીનાં પડતર ખાલી કુવામાં ખાબક્યો હતો. આ અંગેની જાણ સવારે વાડીનાં માલીકને થતા તુરંત જ વનવિભાગને જાણ કરાતા ઘોઘા ફોરેસ્ટનાં આરએફઓ પંડ્યા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. આ ઉપરાંત તળાજાની રેસ્ક્યુ ટીમને પણ બોલાવાઇ હતી. પરંતુ મોડી સાંજ સુધી વન વિભાગની કવાયત છતાં દિપડાને બહાર કાઢવામાં સફળતા મળી નહોતી.

બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ઘોઘા તાલુકાના ખાંટડી ગામે આવેલી ભૂપતભાઇ ગોહિલની વાડીમાં ૫૦ ફુટ ઉંડો પાણી વિનાનો પડતર કુવો આવેલો છે. જેમાં ગત મોડી રાત્રીનાં શિકારની શોધમાં આવી ચડેલો એક દિપડો અંધારાનાં કારણે પડતર કુવામાં ખાબક્યો હતો. જેની જાણ સવારે વાડીનાં માલિક ભૂપતભાઇ ગોહિલનાં પુત્ર અર્જુનસિંહને થતા તુરંત ઘોઘા વન વિભાગમાં જાણ કરતા આરએફઓ પંડ્યા સહિતનો સ્ટાફ ખાટડી ગામે પહોંચી ગયો હતો અને તળાજાની રેસ્ક્યુ ટીમને પણ બોલાવી હતી અને કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

આ ઘટનાની જાણ થતા લોકોનાં ટોળે ટોળા કુવામાં ખાબકેલા દિપડાને જોવા ઉમટી પડ્યા હતા. જ્યારે વન વિભાગે ૫૦ ફુટ ઉંડા કુવામાંથી દિપડાને રેસ્ક્યુ કરી બહાર કાઢવા ભારે જહેમત ઉઠાવી હતી. પરંતુ મોડી સાંજ સુધી દિપડાને કુવામાંથી બહાર કાઢી શકાયો ન હોવાનું સુત્રો પાસેથી જાણવા મળેલ છે.

Previous articleભાવનગર સહિત ૯ જિલ્લામાંથી તડીપાર ડોગો દતળાજાથી ઝડપાયો.
Next articleભાવ.રેલ્વે સ્ટેશનની બેદરકારીએ ગ્રીનસીટીના વૃક્ષોને બાળી નાખ્યા