ગ્રીનસીટી સંસ્થા શહેરને હરીયાળુ બનાવવા શહેરના અનેક વિસ્તારોમાં વૃક્ષારોપણ કરી તેની કાળજી લઇ તેનો ઉછેર કરી રહી છે. આ સામે અનેક લોકોની બેદરકારીને કારણે આ વૃક્ષોને નુકશાન પહોંચી રહ્યું છે. થોડા સમય પહેલા કોર્પોરેશનના ખોદકામને કારણે ગ્રીનસીટીના અનેક વૃક્ષોનો બગાડી નાખ્યા હતા. તાજેતરમાં ભાવનગર રેલ્વે સ્ટેશનનું નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે. ગ્રીનસીટીએ રેલ્વે સ્ટેશનની અંદરની બાજુ ૧ નંબરના પ્લેટફોર્મ પાસે ખુલ્લી જગ્યામાં કમ્પાઉન્ડ વોલ પાસે બે વર્ષ પહેલા ૨૦ લીમડાના વૃક્ષો ટી ગાર્ડ સાથે નાખી તેનો ઉછેર કર્યો હતો. આ વૃક્ષોનો ઉછેર કરવા ગ્રીનસીટી એ ગાડી સ્ટેશનની બહાર રાખી પાણીના કેરબા અંદર લઇ જઇ વૃક્ષોને પાણી પાવુ પડતું હતું. ખુબ જ મહેનતથી ગ્રીનસીટી એ આ વૃક્ષોને મોટા કર્યા હતા. પરંતુ રેલ્વે ડીવીઝનની બેદરકારીને કારણે અમુક વૃક્ષોનો મૂળ પાસે જ સીમેન્ટ અને રેતીના ઢગલાં રાખવામાં આવ્યા હતા. આના કારણે વૃક્ષોને ગરમી લાગતા અમુક વૃક્ષો બળી ગયા હતા. રેલ્વે ડીવીઝન પોતે તો વૃક્ષોને નુકશાન કરી રહી છે. આ અંગે ગ્રીનસીટીના દેવેનભાઇ શેઠે સ્ટેશનના ઇન્ચાર્જને મૌખિક જાણ કરી વૃક્ષોને નુકશાન ન થાય તે રીતે નવીનીકરણનું કામ કરવા જણાવ્યું હતું. આમ કોઇપણ જગ્યાએ જ્યારે વિકાસ થાય છે ત્યારે પર્યાવરણનને ખુબ જ નુકશાન થઇ રહ્યું છે. પરંતુ સરકાર દ્વારા જ આવુ નુકશાન થતું હોય તો ફરીયાદ કોને કરવી. પર્યાવરણને થઇ રહેલા નુકશાનના ખુબ જ ગંભીર પરિણામ માનવજાતને ભોગવવા પડસે તેમ દેવેનભાઇ શેઠએ જણાવ્યું હતું.