સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજયુકેશન(સીબીએસઇ) દ્વારા જેઇઇ મેઇનની પરીક્ષા લેવામાં આવે છે, જેઇઇ મેઇનની પરીક્ષા માટે જે ઉમેદવારે ફોર્મ ભરી દીધા છે, તેમને પરીક્ષા ફોર્મની અરજીમાં સુધારો કરવાની એક વધુ તક સત્તાવાળાઓ દ્વારા આપવામાં આવી છે. જે ઉમેદવારોએ પોતાની અરજીમાં કોઇ સુધારો કે કરેકશન કરવું હોય તેઓએ જેઇઇ મેઇનની વેબસાઇટ પર કરેકશન ચાર્જ સાથે તા.૨૨મી જાન્યુઆરી સુધીમાં જરૂરી સુધારો કે ફેરફાર કરી શકશે. જેઇઇ મેઇનની પરીક્ષા એપ્રિલ-૨૦૧૮માં ઓનલાઇન લેવાની અગાઉ જાહેરાત કરી દેવાઇ છે. જેના અનુસંધાનમાં હજારો વિદ્યાર્થીઓ અને ઉમેદવારો દ્વારા ફોર્મ પણ ભરાઇ ચૂકયા છે. ઉમેદવારોએ જેઇઇ મેઇનની વેબસાઇટ મારફતે ઓનલાઇન એપ્લિકેશન પણ સબમીટ કરી હતી. ત્યારે સીબીએસઇએ હવે તેની લિંક પર માહિતીને અપલોડ કરવા માટે ઉમેદવારોને વધુ એક તક પૂરી પાડી છે. સીબીએસઇ સત્તાવાળાઓના નિર્ણય મુજબ, જે ઉમેદવારોએ તેમની એપ્લિકેશનમાં કોઇ અધૂરી માહિતી કે ભૂલથી ખોટી હકીકત લખાઇ ગઇ હોય તો આવા ઉમેદવારો તા.૨૨મી જાન્યુઆરી સુધીમાં ગમે ત્યારે જેઇઇમેઇન.એનઆઇસી.ઇનની વેબસાઇટ પર જઇ તેમના એપ્લિકેશન ફોર્મમાં જરૂરી સુધારો કરવાનો રહેશે. અલબત્ત, એકવાર એપ્લિકેશન સબમીટ થઇ ગયા પછી ફરી તેમાં સુધારો કરવાની આ તક પેટે ઉમેદવારોએ જરૂરી સુધારો કરવા માટે કરેકશન ચાર્જ પણ ચૂકવવાનો રહેશે. જેઇઇ મેઇનના ઉમેદવારો પોતાની એપ્લિકેશન ફોર્મમાં આવો સુધારો કરી ક્રેડિટકાર્ડ કે ડેબીટકાર્ડ મારફતે ડિજિટલ પેમેન્ટ મારફતે કરેકશન ચાર્જ ભરી શકશે. આ સિવાય ઉમેદવારો ઇ-ચલણ જનરેટ કરી સિન્ડીકેટ બેંક, આઇસીઆઇસીઆઇ બેંક, કેનેરા બેંકમાં તા.૨૨મી જાન્યુઆરી સુધીમાં જમા કરાવી શકશે. આ પરીક્ષાનો મોડ કોમ્પ્યુટર બેઝ રહેશે, તેથી કોઇપણ ઉમેદવાર પેન કે પેપર બેઝ પરીક્ષા માટે ફોર્મમાં સુધારો કરી શકશે નહી.