એર ઇન્ડિયાના ચેક ઇન સોફ્ટવેરમાં શનિવારના દિવસે પાંચ કલાક સુધી તકલીફ થયા બાદ આજે તેની સીધી અસર જોવા મળી હતી. સરકારી એરલાઈન કંપનીએ કહ્યું છે કે, આજે પણ ૧૩૭ ફ્લાઇટ લેટ થઇ હતી. રવિવારના દિવસે ૧૩૭ ફ્લાઇટોમાં સરેરાશ ૧૯૭ મિનિટનો વિલંબ થયો હતો. એક દિવસ પહેલા એટલે કે શનિવારના દિવસે પણ એર ઇન્ડિયાના હજારો યાત્રીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. દુનિયાભરમાં સ્થિત એર ઇન્ડિયાના યાત્રી શનિવારના દિવસે એ વખતે હેરાન થઇ ગયા હતા જ્યારે કંપનીના પેસેન્જર સર્વિસ સિસ્ટમ સોફ્ટવેરમાં ખામી ઉભી થઇ ગઈ હતી જેથી તેમની ફ્લાઇટ ઉંડાણ ભરી શકી ન હતી. ચેક ઇન, બગેજ અને રિઝર્વેશન સર્વિસ સંભાળનાર સોફ્ટવેરમાં શટડાઉનની સ્થિતિ રહેતા હાલત કફોડી બની ગઈ હતી. આ સોફ્ટવેરમાં તકલીફના લીધે ૧૪૯ ફ્લાઇટો લેટ થઇ હતી. સરેરાશ લેટનો ગાળો ૧૯૭ મિનિટનો રહ્યો હતો. એરલાઈનના એક અધિકારીએ કહ્યું હતું કે, એરલાઈનના સીટા સર્વર ડાઉન થઇ જવાના કારણે મુશ્કેલી સર્જાઈ હતી. સીટા ટેકનોલોજીના ક્ષેત્રમાં એક મોટી કંપની છે.