FPI દ્વારા એપ્રિલ મહિનામાં કુલ ૧૭૨૧૯ કરોડનું રોકાણ

392

વિદેશી મૂડીરોકાણકારોએ એપ્રિલ મહિનામાં સતત ત્રીજા મહિનામાં ભારતીય મૂડી માર્કેટમાં જંગી નાણાં ઠાલવી દીધા છે. માઇક્રો ઇકોનોમિક સ્થિતિ અને અન્ય સ્થિતિના લીધે વિદેશી મૂડીરોકાણકારોએ ૧૭૨૧૯ કરોડ રૂપિયા એપ્રિલ મહિનામાં ઠાલવી દીધા છે. વિદેશી રોકાણકારોએ આ મહિનામાં પહેલીથી ૨૬મી એપ્રિલ વચ્ચેના ગાળામાં ઇક્વિટીમાં ૨૧૦૩૨.૦૪ કરોડ રૂપિયા ઠાલવ્યા છે પરંતુ ડેબ્ટ માર્કેટમાંથી આ ગાળા દરમિયાન ૩૮૧૨.૯૪ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. આની સાથે જ કુલ રોકાણનો આંકડો ૧૭૨૧૯.૧૦ કરોડ રૂપિયા રહ્યો છે.  આંકડા દર્શાવે છે કે વિદેશી મૂડીરોકાણકારોએ અગાઉના બે મહિનામાં જંગી નાણા ઠાલવ્યા હતા જે પૈકી ફેબ્રુઆરી મહિનામાં ૧૧૧૮૨ કરોડ રૂપિયા અને માર્ચ મહિનામાં ૪૫૯૮૧ કરોડ રૂપિયા ઠાલવવામાં આવ્યા હતા. તે પહેલા જાન્યુઆરી મહિનામાં મૂડી માર્કેટમાંથી એફપીઆઈ દ્વારા ૫૩૬૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા હતા.  વિદેશી મૂડીરોકાણકારોએ ફેબ્રુઆરી મહિના બાદથી ભારતીય માર્કેટમાં સતત લેવાલી જાળવી રાખી છે. નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮માં એફપીઆઈએ શેરમાં ૨૫૬૩૪ કરોડ અને બોન્ડ માર્કેટમાં ૧૧૯૦૩૫ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. આની સાથે જ કુલ રોકાણ ૧૪૪૬૬૯ કરોડ રૂપિયા રહ્યું હતું. ૨૦૧૬-૧૭માં ૪૮૪૧૧ કરોડ અને ૨૦૧૭-૧૮માં ૧૪૪૬૮૨ કરોડ રૂપિયા એફપીઆઈથી મળ્યા હતા. અમેરિકી ફેડરલ દ્વારા વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરવામાં આવ્યા બાદ તેના કારણે પણ એફપીઆઈ ભારત તરફ આકર્ષિત થઈ રહ્યું છે. ક્રુડ ઓઈલની કિંમતો સ્થિર રહી છે. જેની અસર પણ વિદેશી મૂડીરોકાણકારોના મૂડી પ્રવાહ ઉપર થઈ છે. આ વર્ષની ધીમિ ગતીએ શરૂઆત થયા બાદથી એફપીઆઈમાં ભારતીય ઈક્વિટી માર્કેટમાં આત્મવિશ્વાસ દેખાઈ રહ્યો છે. જાણકાર લોકોનું કહેવું છે કે આગામી દિવસોમાં પણ બજારમાં તેજી રહી શકે છે. જાન્યુઆરી મહિનામાં યુએસ ફેડરલ દ્વારા વ્યાજદરમાં કોઈ વધારો કરવામાં આવ્યો ન હતો. તેમના અર્થતંત્ર માટે ચીન અને યુરોપિયન સેન્ટ્રલ બેન્ક દ્વારા સ્ટીમ્યુલસ પેકેજની જાહેરાત કરવામાં આવ્યા બાદ અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં કોઈ વધારો કરવામાં આવ્યો ન હતો.  સ્થિર સરકાર ચુંટણી બાદ રચાય તેવી આશા પણ દેખાઈ રહી છે. જાણકાર લોકોનું કહેવું છે કે, ભારતમાં લોકસભા માટેની ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવ્યા બાદ જુદા જુદા સર્વેમાં એનડીએની વાપસીના સંકેત મળી રહ્યા છે ત્યારે રોકાણકારો દેશમાં રોકાણ કરવા વધારે આશાવાદી દેખાઈ રહ્યા છે.

Previous articleસોફ્ટવેયર શટડાઉનની અસર વચ્ચે ૧૩૭ ફ્લાઇટો લેટ થઇ
Next articleક્રૂડ-રૂપિયાની સ્થિતિની સીધી અસર શેરબજાર પર રહી શકે