રાષ્ટ્રવાદી કોંગ્રેસના અધ્યક્ષ શરદ પવારે આજે કહ્યું હતું કે, જો નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સ્પષ્ટ બહુમતિ સાબિત કરવામાં નિષ્ફળ રહે છે તો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ, ઉત્તરપ્રદેના પૂર્વ મુખ્યમંત્રી માયાવતી પૈકી કોઇ એક વડાપ્રધાન બની શકે છે. શરદ પવારના આ નિવેદનથી રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. પવારનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ત્રણેય નેતા વધુને વધુ સીટો જીતવા માટે દિનરાત એક કરી રહ્યા છે. શરદ પવારે કહ્યું હતું કે, વડાપ્રધાન બનતા પહેલા નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. તેમનો અભિપ્રાય છે કે, એનડીએને સ્પષ્ટ બહુમતિ મળવાની શક્યતા ઓછી છે જેથી મમતા બેનર્જી, ચંદ્રાબાબુ નાયડુ, માયાવતી પીએમ પોસ્ટ માટે પ્રબળ દાવેદાર રહેલા છે. પવારે એવા રિપોર્ટને ફગાવી દીધા હતા જેમાં કહેવામાં આવ્યું હતું કે, માયાવતી, મમતા બેનર્જી અને નાયડુ પીએમ માટે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની અપેક્ષા વધારે સારા દાવેદારો છે.
પવારે કહ્યું હતું કે, રાહુલ ગાંધી ઘણી વખત પહેલાથી જ કહી ચુક્યા છે કે તેઓ વડાપ્રધાન પદની દાવેદારીમાં સામેલ નથી. એનસીપીના વડાએ કહ્યું હતું કે, આ વિષય ઉપર કોઇપણ પ્રકારની ચર્ચા બિનજરૂરી છે. એક સપ્તાહ પહેલા જ નાયડુ અને પવાર મુંબઈમાં હતા. તે વખતે ટીડીપી વડાએ કહ્યું હતું કે, તેઓ વડાપ્રધાન પદની તરફ જોઇ રહ્યા નથી. નાયડુએ કહ્યું હતું કે, તેમનો મુખ્ય ઉદ્દેશ્ય લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને પરાજિત કરવાનો રહેલો છે. આ પહેલા ચૂંટણી પ્રચાર દરમિયાન પવારે દાવો કર્યો હતો કે, લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની સીટો ખુબ ઘટી જશે. તમામ મોરચા ઉપર સરકાર નિષ્ફળ રહી છે તે જોતા એવું લાગી રહ્યું છે કે, ભાજપની ઓછામાં ઓછા ૧૦૦ સીટો ઓછી થઇ જશે. એનડીએને સ્પષ્ટ બહુમતિ મળવાની બાબત મુશ્કેલ દેખાઈ રહી છે. વડાપ્રધાન પદ માટે નવા વિકલ્પો પર વિચારણા કરવાની જરૂર રહેશે. પવારે ઉમેર્યું હતું કે, એનસીપી માત્ર ૨૨ સીટો ઉપર ચૂંટણી લડી રહી છે. જો અમે ૨૨ સીટો જીતી લઇએ છે તો પણ સરકાર બનાવવા માટે જરૂરી આંકડા સુધી પહોંચી શકીશું નહીં. વડાપ્રધાન બનવાને લઇને વિચારણા કરવાની બાબત પણ તર્ક વગરની છે. બીજી બાજુ કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ કહ્યું છે કે, એનડીએ નિષ્ફળ રહે કે ના રહે, કોઇ મહાગઠબંધન થાય કે ન થાય પરંતુ બિન એનડીએ પક્ષોને એક સાથે લાવવામાં પવારની ભૂમિકા રહેલી છે. કોંગ્રેસી નેતાએ નામ જાહેર નહીં કરવાની શરતે કહ્યું છે કે, મોદીને સત્તાથી દૂર રાખવા માટે પવાર તમામ ભાજપ વિરોધી પક્ષોને એક મંચ ઉપર લાવી શકે છે. આ બાબતને લઇને કોઇને આશ્ચર્ય થશે નહીં કે, શિવસેના પણ પવારના પ્રસ્તાવને ટેકો આપી શકે છે. મમતા અને માયાવતી બંને સંકેત આપી ચુકી છે કે, તેઓ પીએમના દાવેદારમાં સામેલ છે.