પઠાનકોટથી ડેલહાઉસી જતી એક ખાનગી બસ નૈનીખડની પાસે પંજપુલામાં લગભગ ૨૫૦ ફુટ ઊંડી ખીણમાં ખાબકી હતી. અકસ્માતને કારણે ૧૨ યાત્રિકોના મોત નિપજ્યા છે, ૨૬ લોકો ઘાયલ થયા છે. જેમાંથી કેટલાંકની સ્થિતિ ગંભીર છે. મળતી માહિતી મુજબ બસમાં લગભગ ૪૦ યાત્રિકો સવાર હતા. દુર્ઘટનાની માહિતી મળ્યાં બાદ રહેવાસીઓએ પોલીસ અને આર્મીની મદદથી રાહત-બચાવ કાર્ય શરુ કર્યું હતું.
પોલીસના જણાવ્યા મુજબ બસમાં સવાર સાત લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે પાંચ લોકોએ ડેલહાઉસી અને બનીખેતની હોસ્પિટલમાં સારવાર દરમિયાન જીવ ગુમાવ્યાં.
એસપી ચંબા ડો. મોનિકાએ જણાવ્યું કે અંધારું થવાને કારણે બચાવ કાર્યમાં મુશ્કેલી આવી હતી. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. પોલીસના જણાવ્યા મુજબ આ બસ પઠાનકોટથી લગભગ ૪-૩૦ વાગ્યે ડેલહાઉસી જવા રવાના થઈ હતી.
મુખ્યમંત્રી જયરામ ઠાકુરે દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કરતાં સ્થાનિક તંત્રને તાત્કાલિક રાહત અભિયાન શરૂ કરવા અને દુર્ઘટના પીડિતોને દરેક સંભવ સહાયતા પહોંચાડવાના નિર્દેશ આપ્યાં છે. સીએમએ કહ્યું કે રાજ્ય સરકાર દુઃખના આ સમયમાં દુર્ઘટનાગ્રસ્ત પરિવારની સાથે છે.
નોંધનીય છે કે પહેલા પણ જાન્યુઆરી મહિનામાં પણ હિમાચલ પ્રદેશમાં એક સ્કૂલ બસ ખાઈમાં ખાબકી હતી. આ અકસ્માત સિરમૌર જિલ્લાના ખડકોલીની નજીક થયું હતું. જેમાં છ શાળા બાળકો સહિત ૭ લોકો મૃત્યુ પામ્યા હતા.